Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અમિતભાઈના આગમનથી રાજકીય ધમધમાટ,જિલ્લા પ્રમુખોની નિમણૂકોનો માર્ગ ખૂલશે

આજે અમદાવાદ-ગાંધીનગરમાં ૪ જાહેર કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૧ :. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમની હાજરીમાં ૪ જાહેર કાર્યક્રમો યોજાયેલ છે. તેમના આગમનના પગલે રાજકીય ધમધમાટ પ્રવર્તી ગયો છે.

રાજ્યના શહેર-જિલ્લા ભાજપના પ્રમુખો ૩૦ નવેમ્બર સુધીમાં જાહેર કરવાની જાહેરાતનો અમલ થઈ શકયો નથી. અમિતભાઈ આ બાબતે પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરી નિમણૂકોની લીલીઝંડી આપે તેવી શકયતા નકારાતી નથી. રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે તેઓ જાહેરમાં કે ખાનગીમાં ચોક્કસ નિર્દેષ કરે તેવુ અનુમાન થઈ રહ્યુ છે. તેમની હાજરીમાં સવારથી બપોર સુધીમાં મહાત્મા મંદિરમાં ગૃહ વિભાગની એપ લોન્ચીંગ અને સી.એમ. ડેશ બોર્ડની જાણકારી મેળવવાનો કાર્યક્રમ યોજાયેલ છે.

બપોરે ૩.૦૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અને સાંજે ૬.૦૦ કલાકે શ્રી અમિતભાઈ શાહ પોતાના મતક્ષેત્ર એવા નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પાછળ, નરનારાયણ પ્લોટ, અમદાવાદ ખાતે વિવિધ સોસાયટીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવેલ કે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખી અમિતભાઈ શાહ દેશહિત અને જનહિતના અનેક ગૌરવશાળી-ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે અતિ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સમય કાઢી ગુજરાત અને પોતાના મતક્ષેત્ર ગાંધીનગર લોકસભાની અવારનવાર મુલાકાત લઈ, પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત પગલા લઈ એક જાગૃત સાંસદ તરીકેની ભૂમિકા પણ ખરા હૃદયથી વહન કરી રહ્યા છે.

(3:37 pm IST)