Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વડોદરામાં ઓક્સિજન કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ : આઠના થયેલ મોત

બોટલ ફિલિંગ વખતે પ્રચંડ બ્લાસ્ટ થતાં કામદારો ભોગ બન્યા : દસથી વધુ લોકોને ઇજા : પ્રંચડ બ્લાસ્ટના લીધે ત્રણ કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો : ધડાકાના લીધે કામદારોના શરીરના ફુરચે ફુરચા

અમદાવાદ, તા.૧૧  : વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ પ્રચંડ બ્લાસ્ટ થતાં આઠ કામદારોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બ્લાસ્ટમાં દસથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, ત્રણ કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, કામદારોના શરીરના  ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને એક તબક્કે તેમની ઓળખ પણ મુશ્કેલ બની હતી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં ઇન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે.

                  આ કંપનીમાં આજે સવારે ૧૦-૫૫ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટની ઘટનામાં સાત કામદારોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે ૧૦થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. મૃતક કામદારોમાં લોલા ગામના રહેવાસી, એક મુવાલ ગામનો રહેવાસી અને એક ગવાસદ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મૃતદેહની ઓળખ થઇ શકી નથી. એમ્સ ઓક્સિજન કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલો પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, કિ.મી સુધી ધરતી ધ્રુજતા ધરતીકંપ જેવો અનુભવ થયો હતો અને ગવાસદ ગામમાં ઘરના બારી બારણા અથડાયા હતા અને વાસણો નીચે પડી ગયા હતા. ઉપરાંત બ્લાસ્ટનો દૂર સુધી અવાજ પણ સંભળાયો હતો. બ્લાસ્ટના કારણે કંપનીના પ્લાન્ટના પતરાની સિલિંગ તૂટી ગઇ હતી.

                એમ્સ ઓક્સિજન કંપની દ્વારા કામદારો સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા હતા. જેને કારણે કામદારોના શરીરના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. ઉપરાંત કંપનીમાં ફાયર સેફ્ટીના ફાયર સેફ્ટીના સાધનો પણ નહોતા. દુર્ઘટના સવારે ૧૦:૫૫ વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તંત્રના કોઇ અધિકારીઓ કે, કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી કંપનીમાં ફરક્યા નથી. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરા ગ્રામ્યના એસપી સુધીર દેસાઇએ જણાવ્યું હતું કે, હાલ અમારી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ છે, પરંતુ કંપનીના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નથી. અમે મામલે તપાસ કર્યાં બાદ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરીશુંઉપરાંત પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર પણ ઘટના સ્થળે દોડી ગયા હતાઘટનાની જાણ થતાં પાદરા અને ગવાસદ ગામના અગ્રણીઓ સ્થળ પર દોડી ગયા હતા અને એમ્સ ઓક્સિજન કંપનીમાં મોતને ભેટેલા કામદારોના પરિવારજનો અને દાઝેલા કામદારોને યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરી હતી.

(8:25 pm IST)