Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતના ડુમસ રોડ પર હિટ એન્ડ રન : કાર ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત : બે પુત્રીઓએ માતા ગુમાવી

મોલમાં ખરીદી કરવા જતા ડપતિને ઠોકરે ચડાવતા બે પુત્રીઓની માતા બનતી વિમલ જરીવાલાનું માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે મોત

સુરત : શહેરનાં ડુમસ રોડ પર રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે ગોલ્ડન રંગની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતીને અડફેટે લઈને ભાગી ગયો હતો. કારે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર જરીવાલા દંપતી પૈકી બે પુત્રીઓની માતા બિન્ટી વિમલ જરીવાલાનું મૃત્યુ થયું છે. જયારે પતિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ દંપતી સુરત-ડુમસ રોડ પાસે આવેલા એક મોલમાં ખરીદી માટે જઇ રહ્યાં હતાં.

  સુરતનાં ડુમસ રોડ પર રાત્રીનાં 8.15 વાગ્યાના અરસામાં એરપોર્ટ નજીક સાંઇ બાબામંદિર પાસેથી ગોલ્ડન રંગની ઇનોવા કાર બેફામ આવી રહી હતી. કારનાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દંપતીને અડફેટે લીધા હતા. જેના કારણે વાહન પરથી નીચે પટકાયા હતા.  આ અકસમાતને કારણે ગાડી પર સવાર દંપતીમાંથી મહિલાને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે પતિ વિમલ જરીવાલાને પણ ઇજા થતા નજીકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે નજીકમાં રહેલા સીસીટીવીનાં ફૂટેજના આધારે ગાડી ચાલકની શોધખોળ શરુ કરી છે.

 મૃતક બિન્ટી જરીવાલાને સંતાનમાં બે પુત્રી છે. એક પુત્રી 14 અને બીજી 9 વર્ષની છે. તેમના પતિ ડાઇંગ મીલમાં નોકરી કરે છે. જ્યારે મૃતક મહિલા ટયુશન કરાવતા હોવા સાથે એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હોવાનું નજીકના મિત્ર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે.

(11:39 am IST)