Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અદાણી બંધુઓને આરોપ મુકત કરવાના નીચલી કોર્ટના હુકમને સેશન્સે ફગાવ્યો

અમદાવાદ : વર્ષ ૧૯૯૯ના ઠગાઈ અને શેરની કિંમતમાં હેરફેર કરવાના કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટે અદાણી બંધુઓને મોટો ઝટકો આપ્યો છે. આ કેસમાં અદાણી બંધુઓને આરોપોમાંથી મુકત કરવાના નીચલી અદાલતના હુકમને મુંબઈ સેશન્સ કોર્ટે રદ કરી દીધો છે. મુંબઈ સેશન્સ કોર્ટનુ અવલોકન છે કે, આ ઠગાઈ કેસમાં તપાસ એજન્સીની તપાસ પ્રાથમિક ધોરણે લાગે છે કે, AEL શેરની કિંમતમાં હેરફેર કરીને અદાણી જૂથના માલિકે રુ. ૩૮૮.૧૧ કરોડ અને કેતન પારેખે રુ. ૧૫૧.૪૦ કરોડનો ગેરકાયદેસર લાભ મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૪માં નીચલી અદાલતે આ કેસમાં, અદાણી બંધુઓને ડિસ્ચાર્જ કરવાનો જે હુકમ કર્યો હતો તે એક ભૂલ છે, કારણ કે આ કેસમાં SFIO (સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ) પુરાવા રજૂ કરે તે પહેલા જ આ હુકમ થયો હતો. સેશન્સ કોર્ટે અદાણી બંધુઓને આદેશ કર્યો છે કે, તેઓ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય.

કેસની વિગત જોઈએ તો, વર્ષ ૧૯૯૯માં અદાણી એન્ટરપ્રાઈઝિઝ લિમિટેડ (AEL)ના માલિક ગૌતમ અદાણી અને મેનેજિંગ ડિરેકટર રાજેશ અદાણીએ કેતન પારેખ સાથે મળીને છેતરપિંડી અને  AEL શેરની કિંમતમાં હેરફેર કરીને ખોટી રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું, વર્ષ ૧૯૯૯માં  AEL અને તેના માલિક સામે ઠગાઈની ફરિયાદ થઈ હતી.SFIO  કોર્ટમાં રજૂ કરેલી માહિતી મુજબ  AEL માલિકે કેતન પારેખને કેપિટલ માર્કેટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિકરવા અને બજારમાં કંપનીના શેરની કિંમતમાં હેરફેર કરવાના બદઈરાદા સાથે ફંડ અને શેર્સ ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ગાળામાં કંપનીના માલિકે શેરના ભાવ વધ્યા ત્યારે તેને વેચ્યા અને શેરના ભાવ ઘટ્યા ત્યારે તેને ખરીદીને લાભ મેળવ્યો હતો. SFIO   મતે, આ સમગ્ર મોડસ ઓપરેન્ડી કેતન પારેખની હતી. બોર્ડે જેને મંજૂર કર્યા હતા અને કટ ઓફ ડેટ્સમાં જે બોનસ ઈશ્યૂં થયું હતું, તેમાં કંપનીએ પરિવર્તન કર્યુહતુ. જેના લીધે, કંપનીએ ખોટી રીતે નાણાકીય લાભ મેળવ્યો હતો. અદાણી બંધુઓને આ સમગ્ર બાબતની જાણ હતી. સેબીની તપાસમાં બહાર આવ્યું હતુ કે, વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૦૧ની વચ્ચે કેતન પારેખે  AELના શેરનુ ટ્રેડિંગ કર્યું હતુ અને કંપનીના શેરની કિંમતમાં હેરફેર કરી હતી.

(11:09 am IST)