Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગુજરાત પણ કડકડતી ઠંડીના સકંજામાં છે : જનજીવન ઠપ્પ

નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી રહ્યું : અમદાવાદ શહેરમાં પારો ૧૦.૧ ડિગ્રી રહેતા લોકો ઠંડીથી ઠુઠવાયા : ગરમ વસ્ત્ર બજારોમાં એકાએક નોંધાયેલી તેજી

અમદાવાદ,તા. ૧૦ : સમગ્ર ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતભરમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુરુવારે મોડી રાતથી જોરદાર ઠંડીનો ચમકારો શરૂ થયો હતો જે આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો હજુ પણ ૧૦ અને ૧૦થી નીચે રહ્યો છે. નલિયામાં આજે સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અહીં પારો ૪.૨ રહ્યો હતો જ્યારે ડિસામાં લઘુત્તમ તાપમાન ૬.૧, રાજકોટમાં ૯.૯, કેશોદમાં ૯.૯ અને ભુજમાં ૯.૪ પારો રહ્યો હતો. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જેથી ઠંડીમાં વધુ વધારો થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પણ કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયા છે. આજે અમરેલીમાં ૧૦.૪ અને પોરબંદરમાં ૧૨.૬ સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં આંશિકરીતે વધશે અને પારો ૧૨ રહી શકે છે પરંતુ આજે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોરદારરીતે રહેતા લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. કોલ્ડવેવની કોઇ ચેતવણી તંત્ર તરફથી જારી કરાઈ નથી.

         ઠંડીથી બચવા લોકોને ગરમ કપડાં, સ્વેટર-ટોપી, મોજા પહેરવાની ફરજ પડી હતી. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યાં છે. જો કે, આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરોથી રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ૪ થી ૧૦ ડિગ્રી રહ્યો હતો. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે. જેને પગલે અમદાવાદ શહેરમાં ૧૦.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે.

           આગામી ૫ાંચ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. એક્યુવેધર મુજબ, ૧૧થી ૧૩ જાન્યુઆરી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળશે. ત્યારબાદ તા.૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. આગામી તા.૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુત્તમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો ચમકારો આજે રહ્યો હતો. એકાએક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૦.૧

ડિસા............................................................... ૬.૧

ગાંધીનગર................................................... ૧૧.૮

વીવીનગર.................................................... ૧૧.૨

વડોદરા........................................................ ૧૦.૨

સુરત............................................................... ૧૬

કેશોદ............................................................. ૯.૪

અમરેલી....................................................... ૧૦.૪

રાજકોટ........................................................... ૯.૯

સુરેન્દ્રનગર...................................................... ૧૦

મહુવા.......................................................... ૧૩.૮

ભુજ................................................................ ૮.૬

નલિયા........................................................... ૪.૨

કંડલા એરપોર્ટ................................................. ૮.૩

(9:26 pm IST)