Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

નર્મદા ખાણ ખનીજ વિભાગનો માઇન્સ સુપરવાઇઝર 20 હજાર લાંચ લેતા ઝડપાયો

ટ્રકમાં ઓવર લોડિંગના નામે 30 હજાર માંગ્યા આખરે 20 હજારમાં પતાવટ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાંથી ઓવરલોડ રેતી ભરીને બેરોકટોક મોટી હાઈવા ટ્રકો સુરત જતી હોવાની બુમો ઉઠી હતી.ઓવરલોડ હોવાને લીધે પોલીસ,ખાણખનીજ અને RTO થી બચવા માટે ટ્રક ચાલક બેફામ  સ્પીડથી ટ્રક હંકારતા હોવાથી નર્મદા જિલ્લામાં અકસ્માત મોતના ઘણા બનાવો બન્યા પણ છે.

  નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની રેહમોંજર હેઠળ છોટાઉદેપુરના બોડેલીથી વાયા રાજપીપળા થઈ સુરત રોજની અઢળક ટ્રકો પસાર થતી હોય છે.ત્યારે નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગનો માઇન્સ સુપરવાઇઝર દીપેશ કાંતિભાઇ દીવેટીયા ટ્રક ચાલક પાસેથી 20 હજારની લાંચ લેતા સુરત ACB ના હાથે રંગેહાથ ઝડપાયો હતો.આ ઘટના નર્મદા જિલ્લા ખાણખનીજ વિભાગ ભ્રષ્ટાચારમાં ખરડાયેલું હોવાનું પુરવાર કરે છે.

   સુરત વિસ્તારના એક જાગૃત નાગરિક છોટાઉદેપુરના બોડેલીથી રેતી ભરી સુરત ખાતે લાવી ધંધો કરે છે.ગઇ 07/01/2020ના રોજ તેઓની ટ્રક રેતી ભરી સુરત ખાતે લાવતા હતા તે દરમ્યાન રાત્રીના આશરે દસેક વાગે એ ટ્રક કેવડીયા નજીક માઇન્સ સુપરવાઇઝર દીપેશ કાંતિભાઇ દીવેટીયાએ રોકીને જણાવ્યું કે ટ્રકમાં ઓવરલોડ રેતી ભરેલ છે જેથી તમારી ગાડી જમા થઇ.તો ટ્રક ચાલકે એમ કહ્યુ કે મારી ગાડી ઓવરલોડિંગ નથી તેમ કહી આજીજી કરવા છતાં પણ દીપેશ દિવેટિયા માન્યા નહિ અને ગાડી જમા ન કરવી હોય તો 30,000 રૂપિયા આપી દો તેમ કહેતા ટ્રક ચાલકે રકઝક કરતા 20 હજારમાં મામલો પત્યો હતો, બે-ત્રણ દિવસમાં રૂપિયા આપી જજો નહી તો તમારી ગાડી જમા કરી દેવા દીપેશ દિવેટિયાએ જણાવ્યું હતું.

 

બાદ એ ટ્રક ચાલકે સુરત ACB માં આ મામલે ફરિયાદ કરી હતી.એ ફરિયાદને આધારે સુરત ગ્રામ્ય ACB PI આર.કે.સોલંકીએ છટકાનું આયોજન કર્યું હતું.અને 10મી જાન્યુઆરીએ રાજપીપળાના વાવડી રોડ પર આવેલી ARTO ના કેમ્પસમાં દીપેશ દિવેટિયા ટ્રક ચાલક પાસેથી લાંચની રકમ રૂપિયા 20,000 /- સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.બાદ સુરત ACB ના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી દીપેશ દિવેટિયાને નર્મદા ACB ને સોંપ્યો હતો.

(9:11 pm IST)