Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

તારાપુરની નાનીચોકડી નજીક ટ્રાફિકનો લાભ લઇ ગઠિયો ચાલકની નજર સેરવી 65 હજાર ઝડપી ગયો

તારાપુર: શહેની નાની ચોકડીએ ટ્રાફિક જામનો લાભ લઈને એક ગઠિયા દ્વારા મહિયારીના બાઈક ચાલકની હુકમાં ભરાવેલી થેલીમાંથી રોકડા ૬૫ હજારની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર મહિયારી ગામે રહેતા ફરિયાદી અજીતસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ રામદેવ નમકીનનો વેપાર કરે છે. તેમને રામદેવ નમકીનના ૬૫ હજાર રૂપિયા આપવાના હોય ગત ૭મી તારીખના રોજ સવારના ૧૧ વાગ્યે ઘરેથી રોકડા ૩૫ હજાર લઈને તારાપુર માર્કેટ યાર્ડમાં આવ્યા હતા અને ત્યાંથી ડાંગરના દલાલ પાસેથી ૩૦ લઈને કુલ ૬૫ હજાર એક ઝભલામાં મૂકીને તેને થેલીમાં મૂકી બાઈક પર તારાપુરની સેન્ટ્રલ બેંકમાં આવ્યા હતા જ્યાં કેશીયર જમવા બેઠા હોય તેઓએ રૂપિયા ભરેલી થેલી બાઈકના હુકમાં ભરાવી હતી અને લોખંડના સળિયા લેવાના હોય તારાપુરની નાની ચોકડી તરફ જતા હતા. દરમ્યાન ટ્રાફિક જામ હોય તેઓ ઊભા હતા દરમ્યાન એક ગઠિયાએ તેમની નજર ચૂકવીને થેલીમાંથી રોકડા ૬૫ હજાર ચોરી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના એક ફોર વ્હીલર ચાલકે જોતા જ તેમણે ઈશારો કરીને અજીતસિંહને જાણ કરી હતી જો કે ત્યાં સુધીમાં તો ગઠિયો રૂપિયા લઈને ક્યાંક ગાયબ થઈ ગયો હતો. જેની આજદિન સુધી શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં તેઓએ આખરે તારાપુર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. 

(5:22 pm IST)