Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હાલ અમદાવાદના સાત પશુ દવાખાના બિસ્માર હાલતમાં

જીવદયા સ્વૈચ્છિક સંસ્થાઓની મુખ્યમંત્રીને રજૂઆતઃ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વખર્ચે પશુ-પક્ષીની સારવારથી માંડી અન્ય ખર્ચ ઉઠાવે છે : મુખ્યમંત્રીની સંસ્થાઓને હૈયાધારણ

અમદાવાદ,તા.૧૧, મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બોડકદેવ ખાતે વાઇલ્ડ લાઇફ સેન્ટરની મુલાકાત લીધી ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને પશુ-પક્ષીઓની સારવાર, તેમની સુવિધા ઉપરાંત કાયદાકીય અડચણો સહિતના મુદ્દે અસરકારક રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીનું એ મહત્વના મુદ્દાઓ પરત્વે ધ્યાન દોરાયું હતું કે, અમદાવાદ શહેરમાં પશુપાલન વિભાગના સાત દવાખાના બિસ્માર હાલતમાં છે. એટલું જ નહી, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમના સ્વખર્ચે પશુ-પક્ષીઓની સારવારથી માંડી માળખાકીય સવલતોનો ખર્ચ જાતે ઉઠાવી રહી હોવા બાબતે ધ્યાન દોરાયું હતું. તો સાથે સાથે ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીનું અગત્યના મુદ્દા પર ધ્યાન દોરાયું હતું કે, ગુજરાત હાઇકોર્ટે એક કેસમાં રહેણાંક વિસ્તારમાં બિન સરકારી સંગઠન કે સંસ્થાને પશુ-પક્ષીની સારવારના કેમ્પ નહી લગાવવા અગાઉ હુકમ કરેલો છે, તેથી તેનો ભંગ ના થાય તેનું પણ ધ્યાન રખાવું જોઇએ. આ ફાઉન્ડેશનના સંચાલક એડવોકેટ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, કરૂણા અભિયાન અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી જયારે સરકાર આ જીવદયા અભિયાન હાથ ધરી રહી છે ત્યારે તેમાં ગુજરાત હાઇકોર્ટના ઉપરોકત હુકમને લઇ કયાંક અદાલતી તિરસ્કારની સ્થિતિ ના ઉદ્ભવે તેની પણ તકેદારી રાખવી જોઇએ. મુખ્યમંત્રી રૂપાણીએ એડવોકેટ ચંદ્રેશ પટેલના આ મહત્વના કાયદાકીય મુદ્દા પરત્વે ગંભીરતાથી લઇ ધ્યાન રખાશે તેવી હૈયાધારણ આપી હતી. એડવોકેટ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને એ સૂચન પણ કર્યું હતું કે, જીવદયા અને પશુ-પક્ષીઓની સારવારના ઉમદા કાર્ય માટે જરૂર પડયે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં ઉપરોકત હુકમમાં જરૂરી સુધારો કરવાની પણ કાર્યવાહી સરકારપક્ષ તરફથી ધરાવી જોઇએ.

દરમ્યાન આશા ફાઉન્ડેશનના ડાયરેકટર હરમેશ ભટ્ટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી હતી કે, અમદાવાદ શહેરમાં લાંભા, ઓગણજ, ઓઢવ, માદલપુર, પ્રેમદરવાજા સહિતના વિસ્તારોમાં છથી સાત પશુ દવાખાના સરકારના પશુપાલન વિભાગના નેજા હેઠળ ચાલે છે પરંતુ તેની હાલત બિસ્માર છે, જોઇએ તેવી સાધન-સુવિધા કે સારવાર ત્યાં ઉપલબ્ધ થતી નથી. તેમણે મુખ્યમંત્રીનું એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું કે, આ દવાખાનાઓમાં ખુદ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાના ખર્ચે સેવા-કામગીરી બજાવી રહી છે અને માળખાકીય સવલતોનો ખર્ચો પણ ઉઠાવી રહી છે તો સરકારે તે બાબત ધ્યાને લેવી જોઇએ. ઉપરાંત, જીવદયાના આ અભિયાનમાં ભારે મહેનત કરતાં સ્વયંસેવકોને સરકારે વીમારક્ષણ હેઠળ આવરી લેવા જોઇએ કારણ કે, તેઓ ઘણીવાર જીવના જોખમે પશુ-પક્ષીઓને બચાવવાની કામગીરી કરતા હોય છે. હરમેશ ભટ્ટે અમદાવાદ શહેરમાં કાયમી ધોરણે એક ૨૪ કલાકની એનીમલ હોસ્પિટલ કે જયાં વર્ષ દરમ્યાન તમામ દિવસોમાં ગમે ત્યારે ગમે તે સંજોગોમાં પશુ-પક્ષીઓની સારવાર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગણી કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાઓની આ રજૂઆત અને બેઠક દરમ્યાન રાજયના વન્ય અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ ઉપરોકત મુદ્દાઓ અને રજૂઆતની ગંભીરતા ધ્યાને લઇ તેના નિરાકરણ અને અમલવારીની બાબતમાં યોગ્ય હૈયાધારણ પણ સંસ્થાઓના પ્રતિનિધિઓને આપી હતી. બેઠકમાં સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટ, પારેવડા ગ્રુપ, નમો નમઃ સહિતના સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

(9:37 pm IST)