Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાન ૧થી ૨ ડિગ્રી વધશે

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રી થયું: ઉત્તરાયણ પર્વ દરમિયાન લોકોને તીવ્ર ઠંડીથી રાહત રહેશે

અમદાવાદ, તા.૧૧, તાજેતરના દિવસોમાં ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવ્યા બાદ તાપમાનમાં એકાએક નોંધપાત્ર વધારો થયો છે અને ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે જેથી લોકોને રાહત થઇ છે પરંતુ હજુ પણ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે ઉત્તરાયણ પર્વ વેળા લોકોને વધારે ઠંડીનો અનુભવ થશે નહીં. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૪ની આસપાસ રહેશે. અમદાવાદ શહેરમાં ગઇકાલે લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રીની સામે આજે ૧૩.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ગઇકાલના ૧૪ ડિગ્રી તાપમાનની સામે આજે ૧૩.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં આજે પારો ગઇકાલની સરખામણીમાં વધ્યો હતો અને તાપમાન વધીને ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું. અન્ય મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો જેથી લોકોને તીવ્ર ઠંડીથી રાહત મળી હતી. અમદાવાદ આવતીકાલે લઘુત્તમ તાપમાન હજુ વધુ વધીને ૧૪ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.  આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થાય. રાહતની બાબત એ પણ છે કે, કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વહેતા શીત પવનોની સાથે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન આજે એકાએક વધ્યું હતું. રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે. હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આની સાથે જ ગરમ વસ્ત્ર બજારમાં પણ જોરદાર તેજી આવી ગઈ છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા પામ્યુ છે. આ ઉપરાંત ગુજરાત ઉપર અપરએર સાઈકલોનિક સિસ્ટમ સર્જાતા ઠંડીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોની હાલત સૌથી કફોડી જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ જાણકાર લોકોનું કહેવું છે કે, ઉત્તરાયણ સુધી હજુ ઠંડીનો અનુભવ લોકોને થઇ શકે છે. સામાન્યરીતે નીચલી સપાટી ઉપર હાલ પવન ફુંકાઈ રહ્યા છે.

(9:36 pm IST)