Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

દોઢ સેમીના પથ્થરને ગળી જનાર બાળકીને નવુ જીવન

સિવિલના નિષ્ણાત તબીબોની વધુ એક સફળતા : ઉત્તરપ્રદેશના વતની તેમજ હાલોલમાં મજૂરી કામ કરતા ગરીબ પરિવારની બાળકી પથ્થર ગળી ગઇ હતી : રિપોર્ટ

અમદાવાદ, તા.૧૦ : સિવિલ હોસ્પિટલના ઇએન્ડટી વિભાગના ડોક્ટરો દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારની ચાર વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકીને નવુ જીવન બક્ષ્યુ છે, જેની શ્વાસનળીમાં દોઢ સેન્ટીમીટરની સાઈઝનો પથ્થર ફસાઈ ગયો હતો અને તેના જીવનને ગંભીર જોખમ ઉભુ થયુ હતુ ત્યારે સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ બાળકીને નવુ જીવન બક્ષી તેને ફરી એકવાર રમતી કરી દીધી છે. જેને પગલે બાળકીના પરિવારજનો ખુશખુશાલ થઇ ગયા હતા અને સિવિલના તબીબોનો લાખ લાખ આભાર વ્યકત કર્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજૂરી કામ કરતાં પરિવારની ચાર વર્ષીય બાળકી મોહિની તા.૨૯ નવેમ્બરના રોજ રમતરમતમાં દોઢ સે.મીનો મોટો પથ્થર ગળી ગઇ હતી. બાળકીના માતા સંજુ રાજપૂત અને પિતા લાલુ રાજપૂત તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હોઇ આ વાતથી અજાણ હતા પરંતુ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ખબર પડતાં અને તેનો અવાજ બદલાઇ જતાં તેઓ તાત્કાલિક બાળકીને લઈ હાલોલની સ્થાનિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

            પરંતુ સ્થાનિક ડોક્ટરોએ બાળકીનો કેસ હાથમાં લીધો ન હતો. તેથી માતા-પિતા વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બાળકીની સ્થિતિ જોઇને એસએસજી હોસ્પિટલ દ્વારા બે વાર ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ શ્વાસનળીમાં ફસાયેલો પથ્થર બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. બાળકીના શ્વાસનળીમાં ફસાયેલો એક બાય દોઢ સેન્ટીમીટર સાઈઝનો પથ્થર કાઢવા માટે બાળકીના ગરીબ અને ચિંતિત માતા-પિતા તા.૪ ડિસેમ્બરના રોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પરંતુ યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરને બહાર કાઢવા માટે ઓપરેશન માટે આશરે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ જણાવવામાં આવ્યો. ગરીબ પરિવાર માટે દોઢ લાખનો ખર્ચ કરવો અશક્ય હતો. પરંતુ એવામાં બાળકીના પિતાને સિવિલ હોસ્પિટલ સ્થિત ઇએન્ડટી વિભાગના ડોક્ટર દેવાંગ ગુપ્તાનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું અને આખરે ગરીબ પરિવાર તા.૪ ડિસેમ્બરની સાંજે એ મુકામે પહોંચ્યો કે, જ્યાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે કોઇપણ પ્રકારના ખર્ચ વિના બાળકીની દૂરબીન મારફતે સફળતાપૂર્વક સારવાર કરી બાળકીને નવજીવન બક્ષ્યું હતુ.

              ડોક્ટર દેવાંગ ગુપ્તા, ડોક્ટર વિરલ પ્રજાપતિ, અને ડોક્ટર સ્મિતા એન્જિનીયર અને તેમની ટીમ દ્વારા તા.૫ ડિસેમ્બરના રોજ દૂરબીનના મારફતે કોઈ પ્રકારના ઓપરેશન વિના માત્ર ૧૫ મીનીટમાં લપસણો પથ્થર કાઢવામાં સફળતા મળી હતી. પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાથી ફેફસામાં સમસ્યા થવાની શક્યતા હતી. જેમાં ફેફસું નબળું પડે તેવો ડર હતો. બીજા ફેફસાંથી બાળકી શ્વાસ સરળતાથી લઈ શકતી હતી. આ અંગે ડો.દેવાંગ ગુપ્તાએ જણાવ્યું કે, બાળકીનો કેસ સામે આવતાં એનેસ્થેસિયા નિષ્ણાત સ્મિતા એન્જિનીયર દ્વારા કાર્ડિયાક સર્જરી માટે ઉપયોગમાં લેવાતી ફોગાર્ટી કેથેટર પદ્ધતિનો પ્રયોગ કરવાનું સૂચન કરાયુ હતુ. બાદમાં માત્ર ૧૫ મિનિટમાં દુરબીનના માધ્યમથી એકપણ ચીરો પાડ્યા વગર બાળકીના શ્વાસનળીમાંથી લપસણો પથ્થર કાઢીને બાળકીનો જીવ બચાવી લેવાયો હતો. દરમ્યાન બાળકીનો જીવ બચી જતાં ગરીબ પરિવારે સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોને લાખ લાખ આશીર્વાદ આપી તેમનો આભાર માન્યો હતો.

(9:49 pm IST)
  • દેશમાં રોજગારીની કોઈ કમી નથી : નોટબંધી પછી બેરોજગારી વધ્યાના કોઈ ચિન્હ દેખાતા નથી : લોકસભામાં શ્રમ રોજગાર મંત્રી ગંગવાર ઉવાચ access_time 8:08 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST