Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અમદાવાદમાં દર મિનિટે એક શરાબની બોટલ જપ્ત

ગુજરાતને લઇને વિસ્તૃત આંકડા જારી થયા : ગુજરાત પોલીસ દ્વારા મિનિટમાં ૧.૭૫ લીટર દેશી શરાબ અને બે બિયરની બોટલો કબ્જે કરવામાં આવી છે : રિપોર્ટ

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં શરાબને લઇને હંમેશા હોબાળો રહે છે. અમદાવાદમાં દર મિનિટમાં એક બોટલ જપ્ત કરવામાં આવી રહી છે. આ અંગેની માહિતી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર શરૂ થઇ ચુક્યું છે ત્યારે પ્રથમ દિવસે આ અંગેના આંકડા આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે, બે વર્ષમાં દારુનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. અમદાવાદ શહેરમાંથી નાર્કો દ્વારા આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં દારુના જથ્થાની વાત કરવામાં આવે તો આ ગાળામાં જંગી જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે.

                ગુજરાત પોલીસે દર મિનિટમાં બે બિયરની બોટલો અને ૧.૭૫ લીટર દેશી દારુનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાતના અમદાવાદની વાત કરવામાં આવે તો અહીં પણ જંગી જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. પોલીસ દ્વારા આ પ્રકારના શરાબના જથ્થાની કિંમત જુદી દર્શાવવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં જપ્ત કરવામાં આવેલી ૮.૪૦ લાખ શરાબની કિંમત ૨૫.૯ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સુરતમાં જપ્ત કરવામાં આવેલી ૨૨.૯ લાખ બોટલની કિંમત ૧૪.૬ કરોડ હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, અમદાવાદમાં જપ્ત કરવામાં આવેલી ૮.૪૦ લાખ બોટલો પૈકી ૬૬ ટકા બોટલો ગ્રામીણ વિસ્તારમાં અને ૩૪ ટકા બોટલો શહેરી વિસ્તારમાં જપ્ત કરાઈ છે.

                અમદાવાદ શહેરમાં પહેલી નવેમ્બર ૨૦૧૭થી ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૧.૪૭ લાખ બોટલો જપ્ત કરવામાં આવી ચુકી છે. ડ્રગ્સની વાત કરવામાં આવે તો પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. બિયર અને શરાબના મામલામાં આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવી ચુક્યા છે. ગુજરાતમાં શરાબબંધી અમલમાં છે. રાજ્યમાં કઠોર ધારાધોરણો લાગૂ કરવામાં આવેલા છે છતાં વારંવાર શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત શરાબની પાર્ટીઓમાં નબીરાઓની પણ ધરપકડ કરવામાં આવે છે.

શરાબની બોટલ જપ્ત...

પહેલી નવેમ્બર ૨૦૧૭થી ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના ગાળામાં શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાળામાં કયા જિલ્લામાં કેટલી દારુની બોટલો જપ્ત કરાઈ તે નીચે મુજબ છે.

જિલ્લા  શરાબની બોટલ (લાખમાં)

સુરત

૨૨.૫૯

વલસાડ

૧૭.૫૮

બનાસકાંઠા

૧૨.૩૬

પંચમહાલ

૮.૫૨

અમદાવાદ

૮.૪

(9:39 pm IST)