Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

'સીટ'નો અહેવાલ ગમે તે આવે, સરકારની અગ્નિ પરીક્ષા

ઉમેદવારોનું આંદોલન યથાવતઃ સરકાર પરીક્ષા રદ કરે તો ફજેતો, રદ ન કરે તો આક્રોશ અકબંધ

રાજકોટ તા.૧૦: ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત બિનસચિવાલય કલાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ અને આંદોલન થતા સરકારે સનદી અધિકારી કમલ ધ્યાનીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. આ ટીમને ૧૦ દિવસમાં અહેવાલ આપવા માટે જણાવાયુ છે ટીમનો અહેવાલ ગમે તે આવે સરકારની આકરી કસોટી છે. ઉમેદવારોની માંગણી મુજબ પરીક્ષા રદ કરવામાં આવે તો આક્ષેપો સાચા હતા તે સાબિત થઇ જાય અને ૬ લાખથી વધુ ઉમેદવારોની પરીક્ષા ફરીથી લેવી પડે. જો પરીક્ષા રદ ન થાય અને માત્ર દેખાવ પૂરતા જ પગલા લેવામાં આવે તો  ભીનુ સંકેલવા પ્રયાસ કર્યાનો આક્ષેપ થાય  અને ઉમેદવારોનો આક્રોશ યથાવત રહે તેવી ભીતિ છે.

ગુજરાતના અલગ-અલગ શહેરના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં સરકારની સામે આંદોલન પણ કર્યુ હતું. પહેલા દિવસે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના દંડા પડ્યા હતા અને બીજા દિવસે ગાંધીનગરના કલેકટર સાથે બેઠક થયા પછી વિદ્યાર્થીઓનું પ્રતિનિધત્વ કરી રહેલા યુવાનેતા વિદ્યાર્થીઓનો સાથે છોડીને જતા રહ્યા હતા. છતાં પણ વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન શરૂ રાખ્યું હતું અને આ આંદોલનને કોંગ્રેસનો સપોર્ટ મળ્યો હતો. સતત ચોથા દિવસે પણ પરીક્ષા રદ રકવાની માંગણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ વિસ્ટા ગાર્ડન ખાતે રસ્તા પર બેસી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ દર્શાવવા માટે ગાર્ડનની દીવાલ પર અલગ અલગ પ્રકારના બેનરો પણ લગાવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની આજથી કરવાની જાહેરાત કરી છે.

સરકારના આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના આક્ષેપને લઇને એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે તમામ પક્ષના લોકોને આવકારીએ છીએ વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ અમને મળવા આવી શકે છે, જ્યાં સુધી અમારી માંગણી પુરી નહી થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહી.

(11:55 am IST)