Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : નલિયામાં વધારે ઠંડી

નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી રહ્યું : અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં

 અમદાવાદ, તા.૯ : ગુજરાતમાં આજે પણ તીવ્ર ઠંડીનું મોજુ રહ્યું હતું. અલબત્ત ગઇકાલની સરખામણીમાં મોટાભાગના વિસ્તારોમાં પારો આંશિકરીતે વધ્યો હતો પરંતુ લોકોએ તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. આજે નલિયામાં પારો રવિવારની સરખામણીમાં વધીને ૧૧.૪ થયો હોવા છતાં નલિયા ઠંડુગાર રહ્યું હતું. ડિસામાં પારો ૧૩ અને અમદાવાદમાં પારો વધીને ૧૬ ડિગ્રી સુધી રહ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો આજે ૧૪થી નીચે રહ્યો હતો જેમાં ડિસામાં ૧૩, કંડલા એરપોર્ટમાં ૧૨.૫ અને નલિયામાં ૧૧.૪ ડિગ્રી પારો રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં પણ પારો ૧૩.૨ ડિગ્રી રહ્યો હતો. ઠંડીના લીધે સવારમાં જનજીવન ઉપર પણ તેની સીધી અસર થઇ હતી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી નથી જેથી તંત્રને રાહત થઇ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે.

             મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. રિવરફ્રન્ટ ખાતે ગરમ વસ્ત્ર બજારમાં આજે સોમવારના દિવસે ભારે ભીડ જોવા મળ હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા  ફેરફારની સ્થિતિ રહેશે.  નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૯ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ...................................................... ૧૬

ડિસા............................................................... ૧૩

ગાંધીનગર................................................... ૧૫.૨

વીવીનગર................................................... ૧૫.૯

વડોદરા....................................................... ૧૭.૪

સુરત........................................................... ૧૯.૨

વલસાડ....................................................... ૧૮.૧

પોરબંદર........................................................ ૧૬

અમરેલી............................................................. -

રાજકોટ....................................................... ૧૩.૨

સુરેન્દ્રનગર.................................................. ૧૫.૮

મહુવા.......................................................... ૧૭.૨

ભુજ................................................................ ૧૪

નલિયા........................................................ ૧૧.૪

કંડલા પોર્ટ................................................... ૧૨.૫

(9:31 pm IST)