Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

દિવ્યાંગોને વ્હીલચેર્સ, સ્માર્ટ ફોન-સ્યુઈંગ મશીન વિતરણ

વોઈસ ઓફ એસએપી દ્વારા પ્રેરણારૂપ સેવાઃ દિવ્યાંગજનોને ૫૦ કસ્ટમ વ્હીલચેર્સ, ૧૦૦ સ્માર્ટ ફોન, ૧૦૦ સિવણ મશીનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, તા.૧૦:  દિવ્યાંગજનો માટે સતત સેવાકાર્યો કરવા જાણીતી વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ (એસએપી) દ્વારા ૨૫૦ દિવ્યાંગજનોને જીવનકાર્યમાં સરળતા આવે તે માટે ૫૦ કસ્ટમ વ્હીલચેર્સ, ૧૦૦ સ્માર્ટ ફોન્સ અને ૧૦૦ જેટલા સિવણ મશીનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરતી આ અનોખી અને પ્રેરણારૂપ સેવા જોઇને સૌકોઇ આશ્ચર્યચકિત બન્યા હતા. દિવ્યાંગજનોને વ્હીલચેર્સ,સ્માર્ટ ફોન્સ અને સ્યુઈંગ મશીન્સનું વિતરણ માટે અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાઘબકરી જૂથનાં ચેરમેન શ્રી પિયુષ દેસાઈ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ અંગે વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી)નાં સ્થાપક શ્રી પ્રણવ દેસાઈએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને જીવનકાર્યમાં સરળતા રહે, શિક્ષણ અને રોજગારી મળી રહે તે હેતુસર અમે આ ઉપયોગી સાધનસામગ્રીનું વિતરણ કર્યું છે. સંસ્થા દ્વારા કુલ ૨૫૦ દિવ્યાંગજનોને આ સાધનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં ૫૦ દિવ્યાંગજનોને હરી ફરી શકે તે માટે વ્હીલચેર્સ, દૃષ્ટિની ખામી ધરાવતા ૧૦૦ દિવ્યાંગજનોને શીખવા માટે ૧૦૦ સ્માર્ટ ફોન્સ અને આર્થિક સ્વતંત્રતા માટે ૧૦૦ દિવ્યાંગજનોને સિવણ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી)નાં કાર્યકરો, બીપીએનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ભુષણ પુનાણી, વોઈસ ઓફ એસએપીનાં સલાહકાર શ્રી રોહિત શાહ વગેરે હાજર રહ્યા હતાં. અગાઉ પણ ગત મહિનાની ૧૯મી તારીખે અને ૧ ડિસેમ્બરના રોજ વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી) દ્વારા આવા જ પ્રકારના કાર્યક્રમો યોજાઈ ગયા હતાં. જેમાં ૧૦૦થીવધુ વિક્લાંગોનું સન્માન કરવામાં આવ્યું હતું અને એવોર્ડ એનાયત  કરવામાં આવ્યા હતાં. વોઈસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પીપલ(એસએપી) દિવ્યાંગજનો અને સમાજના ગરીબ તેમ જ જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે અવારનવાર આ પ્રકારના પ્રોત્સાહક અને પ્રેરણારૂપ કાર્યક્રમો યોજાતા રહે છે.

(9:34 pm IST)