Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સીટીએમમાં વીજ કરંટથી ઘાયલ બાળકનું કરૂણ મોત

પરિવારજનોએ પોલીસ સમક્ષ હોબાળો મચાવ્યો : ટોરન્ટ પાવરના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા શરૂઆતમાં ઇનકાર

અમદાવાદ,તા. ૧૦ : સીટીએમના હરિદર્શન ફલેટ ખાતે ટોરન્ટ પાવરના હાઇટેન્શન ઓવરહેડ  વીજલાઇનના કારણે કરંટ લાગતાં ૧૧ વર્ષીય બાળકનું આજે કરૂણ મોત નીપજયું હતુ, જેને લઇ સ્થાનિક રહીશો સહિત સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, મૃત બાળકના પરિવારજનોએ જયાં સુધી ટોરન્ટ પાવરના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા સહિતના કાયદેસર પગલાં નહી લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જેને લઇ આજે સ્થાનિકોએ પોલીસ સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાની માંગણી બુલંદ કરી હતી. જો કે, પોલીસે ભારે સમજાવટ અને મથામણ બાદ આખરે મામલો થાળે પાડયો હતો.   આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે શહેરના સીટીએમ વિસ્તારમાં હરિદર્શન ફલેટ પાસેથી પસાર થઇ રહેલી ટોરન્ટ પાવરની હાઇટેન્શન ઓવરહેડ લાઇનના વીજકરંટથી ૧૧ વર્ષના એક બાળકને જોરદાર ઝાટકો લાગ્યો હતો અને બાળક પાંચ ફુટ ઉંચે ઉછળી ફેંકાઇ ગયો હતો અને રીતસરનો સળગવા લાગ્યો હતો. સ્થાનિકોએ આ ઘટના જોઇ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયેલા બાળકની સારવાર ચાલી રહી હતી પરંતુ આજે તેનું કરૂણ મોત નીપજયુ હતું. ટોરન્ટ પાવરના સત્તાધીશોની બેદરકારી અને કયાંક ચૂક કહી શકાય તેવી નિષ્કાળજીને લઇ આજે  એક પરિવારે તેમનો બાળક ખોવાનો વારો આવ્યો હતો, તેને લઇ સ્થાનિક રહીશો સહિતના લોકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. મૃતક બાળકના પરિવારજનો તો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. પરિવારનું રતન છીનવાઇ જતાં તમામ સભ્યો આઘાત સાથે ઉગ્ર આક્રોશમાં હતા. પરિવારના સભ્યો સહિતના સ્થાનિક લોકોએ ઉગ્ર રોષ સાથે પોલીસ સમક્ષ હોબાળો મચાવ્યો હતો અને જયાં સુધી ટોરન્ટ પાવરના જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી કાયદેસર કાર્યવાહી ના કરાય ત્યાં સુધી મૃતહેદ નહી સ્વીકારવા માંગ કરી હતી. જો કે, પોલીસે ભારે સમજાવટ અને ન્યાયી તપાસની હૈયાધારણ બાદ પરિવાર અને લોકોને સમજાવ્યા હતા અને આખરે મામલો થાળે પાડયો હતો.

(9:17 pm IST)