Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમદાવાદની ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

૪ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં ૨૫૦ હેક્ટર જમીનનો વિકાસ : ૩૫૦ કરોડના કામો થશે

 ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવાના વિઝન સાથે અમદાવાદ મહાનગરની ૪ ડ્રાફ્ટ સ્કીમ,૧ પ્રિલીમીનરી તેમજ ૧ ફાયનલ સ્કીમ સાથે ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે

  આ ટી.પી.સ્કીમમાં ઔડાની ડ્રાફ્ટ ટી.પી ૬૨ - ખોરજ, ૪૫૫ - વિંઝોલ, ૪૦૯-અ  ખોરજ  ત્રાગડ ૯ - બોરિસણા સઇજ તેમજ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૪-એ સાણંદ અને ટી.પી સ્કીમ ૨૧૬ શીલજ નો સમાવેશ થાય છે.

 મુખ્યમંત્રીએ મંજુર કરેલી ૪ ડ્રાફ્ટ ટી.પી ને કારણે ૨૫૦.૯ હેક્ટર જમીન પર સુઆયોજિત વિકાસ થઇ શકશે રાજ્ય સરકારે આ  ૪ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં અંદાજે રૂપિયા ૩૫૦ કરોડના કામો કરવા નિર્ધાર કર્યો છે.

  આ ટી.પી સ્કીમમાં ૧૨ મીટર કે તેનાથી વધુ પહોળાઈના રસ્તાઓ નું આયોજન કરવામાં આવ્યું છે.કુલ ૨૬ કી.મી લંબાઇના માર્ગો નો લાભ અમદાવાદને મળશે.

   સત્તા મંડળને  કુલ ૫૩.૫૦ હેક્ટર જમીન રસ્તા માટે ૩૭.૮૬ હેક્ટર જમીન બાગ બગીચા જેવા જાહેર હેતુ માટે, સામાજિક અંતરમાળખાકીય સવલતો માટે ૩.૨૮ હેક્ટર તેમજ આર્થિક અને સામાજિક વર્ગના લોકોના આવાસ માટે ૧૧.૬૦ હેક્ટર તેમજ વાણિજ્યિક અને રહેણાંકના વેચાણ હેતુસર ૧૨.૬૦ હેક્ટર જમીન સંપ્રાપ્ત થવાથી શહેરની સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

   મુખ્યમંત્રીએ મંજુર કરેલી  સાણંદ ની ટી.પી સ્કીમ ૪-એ ને પરિણામે અમદાવાદને અડીને આવેલા સાણંદમાં પણ શહેરી આયોજનમાં ઝડપ આવશે.

  આ સ્કીમમાં સત્તા મંડળને કુલ ૧૨ ફાઇનલ પ્લોટ મળવાથી રહેણાક તથા વાણિજ્ય ના વેચાણ હેતુ માટે ૮૪૫૫૧  ચોરસ મીટર  આર્થિક સામાજિક વર્ગના લોકોના રહેણાંક માટે ૬૨૪૭૬ ચોરસ મીટર જાહેર સુવિધા માટે ૮૩૭૫૭ ચોરસ મીટર અને બાગ બગીચા માટે ૨૮૭૭૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.

  મુખ્યમંત્રી વિજયભાઈએ આ ૬ સ્કીમ ને મંજૂરી આપતા રાજ્યમાં છેલ્લા ૧૦ મહિનાથી પણ ઓછા સમય માં કુલ ૯૪ ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે નિર્ણયો લેવાયા છે.તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ ની સેન્ચ્યુરી (૧૦૦)ની સિદ્ધિ  ત્વરાએ પૂર્ણ કરવા પણ  સંબંધિત અધિકારીઓ ને સૂચનાઓ આપી છે.

(9:57 pm IST)