Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અમદાવાદ:કાચા માલની કિંમત વધી જતાં ફાઉન્ટ્રીઓએ ઉત્પાદન ઘટાળ્યું કેટલીક ફાઉન્ટ્રીએ ઉત્પાદન બંધ કર્યું

માર્જિન અને ઘટીરહેલ કાર્યકારી મુળી ને કારણે વધારે દિવસ ફાઉન્ટ્રી ચલાવવું મુશ્કેલ બની ગયું નવા ઓડર માટે જથ્થો મળતો નથી

અમદાવાદ: કાચી સામગ્રીની કિંમતોમાં તીવ્ર વધારો થવાને કારણે મેટલ કાસ્ટિંગનું ઉત્પાદન કરી રહેલી ફાઉન્ડ્રીઓ કાં તો તેમનું ઉત્પાદન ઘટાડવા અથવા તો ઉત્પાદન બંધ કરવા મજબૂર થઈ ગઈ છે, કારણ કે, તે વધતી જઈ રહેલી કિંમતોનું દબાણ સહન કરી શકે તેમ નથી. છેલ્લાં બે મહિનામાં અતિશય મોંઘી કાચી સામગ્રી અને અન્ય ઇનપૂટ સામગ્રીએ ફાઉન્ડ્રીઓ ખાતે ઉત્પાદનની કિંમત ઓછામાં ઓછી 25% જેટલી વધારી દીધી છે.

ફાઉન્ડ્રી ફ્રેટર્નિટી માટેના ભારતવ્યાપી એસોસિયેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેન (IIF) મુજબ, અલોપ થઈ રહેલા માર્જિન અને ઘટી રહેલી કાર્યકારી મૂડીને કારણે સમગ્ર ભારતની ફાઉન્ડ્રીઓ ઓછામાં ઓછા 15 દિવસ કે તેનાથી વધારે દિવસ માટે તેમનું ઉત્પાદન કામચલાઉ રીતે બંધ કરવા મજબૂર થઈ ગઈ છે.

અનિશ્ચિત પુરવઠા અને કાચી સામગ્રીની વધતી જતી કિંમતોથી પ્રેરિત પુરવઠાની અડચણોને કારણે ફાઉન્ડ્રીઓ નવા ઓર્ડરનો જથ્થો મેળવી શકતી નથી, જેણે પરિસ્થિતિને બદત્તર બનાવી દીધી છે. IIF મુજબ, તેના કારણે ફાઉન્ડ્રીઓનું સંચાલન બિનલાભદાયક બની ગયું છે અને ઘણાં નાના એકમો બંધ થવાને આરે આવી ગયાં છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી IIFએ માંગણી કરી છે કે, સરકાર કાસ્ટિંગના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી મુખ્ય કાચી સામગ્રીઓ પરનો આયાતકર નાબુદ કરે. IIFના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર જૈને જણાવ્યું હતું કે,‘મોટાભાગની કાચી સામગ્રીની આયાત કરવી પડે છે અને આમ આયાતકર ઘટવાથી ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી રહેશે. સરકારે નીતિગત સહાય મારફતે ભારતમાં કાસ્ટિંગના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં ફેરો-એલોય અને વિવિધ રસાયણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઇએ.’

કિંમતોમાં વધારો એ કંઈ ફક્ત ભારત માટે જ ચિંતાનો વિષય નથી પરંતુ તે એક વૈશ્વિક હકિકત છે. ચીન, કોરીયા, જાપાન, તાઇવાન, વિયેટનામ અને મલેશિયા જેવા દેશોના ફાઉન્ડ્રીના માલિકો અને તેને સંલગ્ન ઉદ્યોગોએ પણ હાલમાં જ યોજાયેલી એશિયા ફાઉન્ડ્રી ફૉરમના વિગતવાર વ્યાખ્યાન દરમિયાન કિંમતોમાં થઈ રહેલાં અભૂતપૂર્વ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

IIFનો અંદાજ સૂચવે છે કે, હાલમાં વધી રહેલી કિંમતોને કારણે ભારતમાં મેટલ કાસ્ટિંગ ઉત્પાદનની ઓછામાં ઓછી 18 મિલિયન મેટ્રિક ટનની કુલ સ્થાપિત ક્ષમતામાંથી ફક્ત 60%નો જ ઉપયોગ થઈ રહ્યો છે. IIF જણાવે છે કે, આ પરિસ્થિતિએ ફક્ત ફાઉન્ડ્રીઓ માટે જ નહીં પરંતુ ઓટોમોબાઇલ્સ, કૃષિ વાહનો, સંરક્ષણ ઉપકરણો, ખાણકામના ઉપકરણો, સીલિન્ડરો, ગીયર કાસ્ટિંગ વગેરે જેવા કાસ્ટિંગનો ઉપયોગ કરી રહેલા અન્ય ઉત્પાદનકર્તાઓ પર પણ કિંમતોમાં વધારો થવાનું દબાણ પેદા કર્યું છે. IIFના સભ્યો જણાવે છે કે, ઑટો સેક્ટરના ઉત્પાદનકર્તાઓ પહેલેથી જ સેમી-કન્ડક્ટરની અછતનો સામનો કરી રહ્યાં છે, જેના કારણે તેઓ ઉત્પાદન ઘટાડવા મજબૂર થઈ ગયાં છે અને કાસ્ટિંગ્સની કિંમતોમાં વધારો તેમની મુશ્કેલીઓમાં વધારો જ કરશે.

દેવેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, ‘અહીંની ઓટોમોબાઇલ અને કૃષિ-વાહનની ઉત્પાદન ઇન્ડસ્ટ્રીને વિવિધ પરિબળોનું સમર્થન છે, જેમ કે, ઓછી કિંમતે કુશળ શ્રમની ઉપલબ્ધતા, મજબૂત આર એન્ડ ડી સેન્ટરો અને નીચી કિંમતોએ સ્ટીલનું ઉત્પાદન વગેરે. જોકે, મેટલ કાસ્ટિંગની કિંમતોમાં વધારો પહેલેથી જ સેમી-કન્ડક્ટરની અછતનો સામનો કરી રહેલા ઓટો ઉત્પાદનકર્તાઓ માટે મોટી મુશ્કેલી પેદા કરશે. લાંબાગાળે આ બાબત ઓટોમોબાઇલના ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી બનવાની ભારતની યાત્રામાં મોટી અડચણ બની જશે.’

કોવિડ-19 પછી માંગમાં ઘટાડો થવા છતાં, વર્ષ 2020-21માં દેશમાં પેસેન્જર, કૉમર્શિયલ અને એગ્રીકલ્ચર વાહનો સહિત લગભગ 22.6 લાખ વાહનોનું ઉત્પાદન થયું હતું, જેમાંથી આ વર્ષ દરમિયાન 18.61 લાખ વાહનો વેચાયા હતા, જે 14%નો ઘટાડો સૂચવે છે.

મહત્ત્વની કાચી સામગ્રી ગણાતા પિગ આયર્નની કિંમતમાં 45%નો ઉછાળો આવ્યો છે, જ્યારે કોલસાની કિંમતો છેલ્લાં બે મહિનામાં બમણાથી પણ વધારે થઈ ગઈ છે. ઉત્પાદનની પ્રક્રિયા માટે મોટાભાગના ફાઉન્ડ્રી એકમો કોલસા પર નિર્ભર હોવાથી ઉત્પાદનના ખર્ચમાં નાટકીય રીતે વધારો થયો છે, જેના કારણે ઉત્પાદનકર્તાઓ ઉત્પાદન ઘટાડવા માટે અથવા તો કાસ્ટિંગની કિંમતોમાં વધારો કરવા માટે મજબૂર થઈ ગયાં છે.

દર વર્ષે 2-3%ની રેન્જની અંદર વિવિધ ચીજવસ્તુઓની કિંમતોમાં થતાં વધારાને ભોગવી લેવો એ ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રી માટે જાણે પરંપરા બની ગઈ છે. જોકે, છેલ્લાં એક વર્ષમાં ધાતુઓ અને કાસ્ટિંગની ઇન્ડસ્ટ્રીએ કૉક, પિગ આયર્ન, કાસ્ટ આયર્ન, સ્ટીલ સ્ક્રેપ, કાસ્ટ આયર્ન બોરિંગ્સ, એચઆર શીટ, સીઆર શીટ, ફેરો એલોય, કૉરના ઉત્પાદન માટેને રસાયણો અને કોટિંગ્સ, ફાઉન્ડ્રી યુનિટ્સ માટેના કન્ઝ્યૂમેબલ્સ, પિત્તળ અને એલ્યુમિનિયમ સહિતની ચીજવસ્તુઓની કિંમતોમાં 60-150%ની રેન્જમાં તીવ્ર વધારો થતો જોયો છે. કેટલીક કાચી સામગ્રીના દરો તો ચીનથી પણ વધી ગયાં છે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, ‘છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં આયર્ન કાસ્ટિંગની એકંદર કિંમતોમાં ઓછામાં ઓછા 20-30%નો વધારો થયો છે. મોટાભાગની ફાઉન્ડ્રીઓ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) સહિતના ખરીદદારોની સાથે સામયિક કોન્ટ્રાક્ટ પર હોય છે, જેઓ સામાન્ય રીતે કિંમતોમાં થતાં વધારાને વહેંચી લેવા માટે સંમત થતાં નથી. તેના કારણે ફાઉન્ડ્રીનો નફો ધોવાઈ જાય છે, કિંમતોના દબાણના પરિણામે તેમની આવકનો પ્રવાહ બંધ થઈ જાય છે તથા લાંબાગાળે અને ટૂંકાગાળે એમ બંનેમાં તેમનો બિઝનેસ બિનલાભદાયક બની જાય છે. કાચી સામગ્રી, વીજળી, શ્રમ, કન્ટેનરોની કટોકટીમાં થયેલા અભૂતપૂર્વ વધારા અને શિપમેન્ટની કિંમતોમાં થયેલાં અનેકગણા વધારાને કારણે ભારતમાં આવેલા ફાઉન્ડ્રી એકમો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયાં છે અને આમ ઘરેલું તેમજ નિકાસના માર્કેટમાં તેમની સ્પર્ધાત્મકતા પણ પ્રભાવિત થઈ રહી છે.’

IIF મુજબ, કાચી સામગ્રીની કિંમતોમાં થઈ રહેલો વધારો એ ઇન્ડસ્ટ્રી માટે ધીમે-ધીમે અભિશાપ બની રહ્યો છે, જેણે કાર્યકારી મૂડીની વધેલી જરૂરિયાતને કારણે ઉત્પાદન અને બિઝનેસ કરવાને બિનલાભદાયક પ્રવૃત્તિ બનાવી દીધી છે, ખાસ કરીને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) માટે આ પરિસ્થિતિનો અન્ય સેક્ટરો પર પણ વ્યાપક પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે.

ઇન્ડસ્ટ્રી દ્વારા સામનો કરવામાં આવી રહેલા આ વસમા પડકારોને ધ્યાનમાં રાખીને IIF સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને ઉત્પાદનકર્તાઓ પર રહેલા કિંમતોના દબાણને હળવું કરવા કેટલાક રાહતના પગલાં લેવાની માંગણી કરે છે. જે કેટલીક ભલામણો કરવામાં આવે છે, તેમાં કાચા લોખંડના ઘરેલું ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કાચા લોખંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવો, કાસ્ટિંગના ઉત્પાદન માટે સિલિકા રેતીની સારી ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે તેના અનામત ઝોનને ખોલવા, ઇન્ડસ્ટ્રીને ઓપન એક્સેસ મારફતે વીજળી મેળવવાની મંજૂરી આપવી અને કેપ્ટિવ સોલર પ્લાન્ટ્સના ઇન્સ્ટોલેશન માટે સબસિડી આપવાનો સમાવેશ થાય છે.

IIFના સભ્યોનું માનવું છે કે, ફેરસ, નોન-ફેરસ, સ્ટીલ ફિનિશ્ડ ઉત્પાદનો માટેના નેશનલ પ્રાઇઝ ઇન્ડેક્સ પર આધાર રાખી કાચી સામગ્રીની કિંમતોમાં માસિક સુધારાનું અમલીકરણ કરવાની જરૂર છે તથા ગ્રાહકોએ કિંમતોમાં આ પ્રકારના સુધારા માટે તૈયાર રહેવું જોઇએ, કારણ કે, આ બિઝનેસને લાભદાયી જાળવી રાખવાનો આ એક જ માર્ગ છે. દેવેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી મન્થલી પ્રાઇઝિંગ ઇન્ડેક્સ એક ઉપાય સાબિત થઈ શકે છે. તે કાસ્ટિંગના ખરીદદારો તેમજ સપ્લાયરોને મદદરૂપ સાબિત થશે.’

(9:25 pm IST)