Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ડિઝાઇન ઇનોવેશન સેન્‍ટરના ઇન્‍કયુબેટર્સ ધ્રુવ પટેલે સ્‍તન કેન્‍સરનું નિદાન કરતુ ડિવાઇસ બનાવ્‍યુ

બ્‍લડસુગર, બ્‍લડપ્રેશર, ગર્ભાવસ્‍તા માટે અદ્યતન ટેકનોલોજીની મદદથી ઘરે જ નિદાન કરી શકાશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલીત ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના (ડિઆઈસી) ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવ્યું છે. બ્લડ સુગર, બ્લડ પ્રેશર કે પછી ગર્ભાવસ્થા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદથી ઘરે રહીને જ નિદાન કરી શકાય છે એવી જ સરળતાથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ વિના સંકોચે ઘરે રહીને જાતે જ સ્તન કેન્સરનું નિદાન કરી શકે તે માટે આ ડિવાઈસ મદદરૂપ સાબિત થશે.

આ ડિવાઇસ સંદર્ભે વાત કરતા જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, WHO ના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરના કેસમાં સતત વધારે થતો જેવા મળી રહ્યો છે. આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુના રેશિયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.

જીટીયુ ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ અને ડીથ્રીએસ હેલ્થકેર ટેક્નોલોજીના સ્થાપક ધ્રુવ પટેલે આ ડિવાઇઝ અંગે વાત કરતા જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2020 માં 7 લાખથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. જે આગામી 2025 સુધી 8 લાખથી વધુ થવાની શક્યતા છે. અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સની જાગૃતિ ઓછી છે. જેના કારણોસર તેની જાણ બીજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો, મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

ડિવાઈસ વિશે તે કહે છે કે, રેડલાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ ડિવાઈસ સ્તનને 360 અંશથી સ્કેન કરીને તેમાં રહેલી ગાંઠ કે અન્ય સમસ્યા સંબધિત ડેટાનો રિપોર્ટ મોબાઈલ એપ્લિકેશનમાં ફોટોગ્રાફ સહિત રજૂ કરે છે. વર્તમાન સમયમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજીના સરળતાથી ઘરે જ નિદાન કરવા માટે વપરાતી નથી. જ્યારે રેડ લાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈસ થકી પરિવારની દરેક મહિલા કોઈ પણ સમયે સ્તન કેન્સર સંબધીત સમસ્યાનું નિદાન કરી શકશે.  વર્તમાન સમયમાં આ ડિવાઈસ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈને આગામી જાન્યુઆરી 2022 માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે.

(6:46 pm IST)