Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

આણંદ પાસેના બોરીયાવી નગરપાલિકામાં વિચિત્ર ફરમાનઃ ટુંકા વષાો પહેરીને આવનારને પ્રવેશ નહીં મળેઃ દંડ વસુલવાની ચિમકી

પાલિકા કચેરી બહાર ચીફ ઓફિસર દ્વારા બોર્ડ મુકાયુ

આણંદ: અત્યાર સુધી મહિલાઓના ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાતો હતો. પરંતુ ગુજરાતની એક નગરપાલિકામાં પહેલીવાર જોવા મળ્યું કે, ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો છે. આણંદ પાસેના બોરીયાવી પાલિકામાં વિચિત્ર ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. અહીં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાવાયો છે. એટલુ જ નહિ, ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર પાસેથી દંડ વસૂલવાનો પણ નિર્ણય લેવાયો છે. જોકે, નગરપાલિકાના આ તઘલકી નિર્ણય મામલે વિવાદ થયા બાદ બોર્ડ ઉતારી લેવામાં આવ્યુ હતું.

શું છે ફરમાન

બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસરે ફરમાન જાહેર કર્યું કે, નગરપાલિકા પરિસર કે ચીફ ઓફિસર કે પ્રમુખની ચેમ્બરમાં ટૂંકા વસ્ત્રો (કેપરી, ચડ્ડો) પહેરી પ્રવેશ કરવો નહિ. જો માલૂમ પડશે તો દંડ વસૂલ કરવામાં આવશે. પાલિકાની બહાર આ પ્રકારનું બોર્ડ લગાવાયું છે.

આવું ફરમાન કરવા પાછળ ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો છે કે, નગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક લોકો કોઇ કામ અર્થે આવે ત્યારે કેપરી કે ટૂંકા ચડ્ડા પહેરીને આવતાં હતા. જેથી ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. ટૂંકા વસ્ત્રો પહેરીને પુરુષો જેમતેમ બેસતા હતા, જેથી જોનારને પણ શરમ અનુભવાતી હતી. આ બાબત અમારા ધ્યાને આવી હતી. મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

વિવાદ થતા બોર્ડ ઉતારાયું, ચીફ ફાયર ઓફિસરની થઈ બદલી

જોકે, નગરપાલિકાના આ તઘલકી નિર્ણય મામલે વિવાદ થયા બાદ બોર્ડ ઉતારી લેવામાં આવ્યુ હતું. ટૂંકા વસ્ત્રોનો વિવાદ સર્જાયા બાદ પ્રમુખ આ બોર્ડથી અજાણ હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક બોર્ડ ઉતારી લેવામાં આવ્યું હતું. આ મામલે ઉપપ્રમુખ તૃષાર પટેલે કહ્યુ હતું કે, ચીફ ઓફિસરને યોગ્ય લાગ્યું હશે તો બોર્ડ લગાવ્યું હશે. અધિકારીને કોણ કહી શકે. બીજી તરફ, બોર્ડ લગાવી સમગ્ર વિવાદ સર્જનાર ચીફ ઓફિસર મિલાપ પટેલની ગઈ કાલે જ બદલી થઈ છે. જ્યારે પાલિકા પ્રમુખ વિનુભાઈએ આ વિવાદ અંગે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

(5:39 pm IST)