Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાતમાં ર૮ જીલ્લામાંથી કુલ ર૬પપપ૮ ખેડુતોએ મગફળીના ટેકાના ભાવે વેંચાણ માટે નોંધણી કરાવીઃ મહત્તમ લાભ લેવા રાઘવજીભાઇ પટેલની અપીલ

ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને યોગ્ય વળતર મળે તે માટે રાજય સરકાર કટિબધ્ધ

રાજય સરકાર દ્વારા ખેડૂતોને મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. મારફત આ જણસોની લાભ પાંચમ થી ટેકાના ભાવેથી ખરીદી શરૂ કરી દેવામાં આવેલ છે. જે ૨૮ જિલ્લાના ૧૫૦ ખરીદ કેન્દ્રો પર ૯૦ દિવસ સુધી ચાલુ રહેશે.

 ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. દ્વારા ખેડૂતોની ૩૧ દિવસ સુધીની ઓનલાઇન નોંધણી કરવામાં આવેલ છે. જેમાં મગફળી માટે ૨૮ જિલ્લામાંથી કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. ખેડૂતોને અગવડતા ન પડે તે માટે એક દિવસ અગાઉ થી એસ.એમ.એસ. દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરીને નિયત કરેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવા જણાવવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો અગાઉથી જણાવ્યા મુજબના સમયે વેચાણ માટે ખરીદ કેન્દ્રો પર કોઇ કારણસર હાજર ન રહી શકે તો તે ખેડૂત તે પછીના આવતા શનિવારના દિવસે ખરીદ કેન્દ્ર પર જણસના વેચાણ માટે આવી શકે છે.

 પ્રથમ રાઉન્ડમાં મગફળીની ખરીદી પ્રતિદિન પ્રતિ ખેડૂત ૧૨૫ મણ (૨૫૦૦ કિ.ગ્રા.) મુજબ તથા રાજયની ઉત્પાદકતા ૪૨ મણ પ્રતિ એકરના દર થી કરવામાં આવશે. જે ખેડૂતો પોતાની જમીનના પ્રમાણમાં ઉત્પાદનનો વધુ જથ્થો ધરાવે છે. તેમની પાસેથી બીજા રાઉન્ડમાં પણ ૧૨૫ મણ (૨૫૦૦ કિ.ગ્રા.) મુજબ ખરીદી કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર પર પ્રતિ બારદાન નિયત ગુણવત્તાવાળી ૩૦ કી.ગ્રા. મગફળી ભરવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો મળી રહે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજય સરકાર દ્વારા આ એક યોગ્ય વ્યવસ્થા કરેલ છે. ખરીદ કેન્દ્ર પર પારદર્શક રીતે તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે.  રાજયના તમામ ખેડૂતોને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે, સરકાર દ્વારા કરવામાં આવેલ આ વ્યવસ્થાનો મહત્તમ લાભ લે. જેથી કરીને તેઓને તેમની જણસોનું યોગ્ય વળતર મળી રહે.

(5:19 pm IST)