Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગાંધીનગરના ઇન્ફોસીટીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

ગાંધીનગર : ગાંધીનગરના ઈન્ફોસીટીમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરીયાઓના ત્રાસથી માઈગ્રેનની ગોળીઓ ગળી લીધી હતી અને સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજયું હતું. ત્યારે આ ઘટનામાં મૃતક પરિણીતાની માતાએ પતિ અને સાસરીયાઓ સામે દુષ્પ્રેરણની ફરિયાદ આપતાં ઈન્ફોસીટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.   

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ એસઆરસી બંગલોઝ ખાતે રહેતાં શોભાબેન રાજનભાઈ નાગરાણીએ ફરીયાદ નોંધાવી છે કે તેઓ મોટી પુત્રી સાથે ગાંધીધામમાં રહે છે અને તેમની નાની પુત્રી ગીતાંજલિ વર્ષ ર૦૧૯માં વડોદરા ખાતે મેડીકલ કંપનીમાં નોકરી કરતી હતી જયાં એન્જીનીયર તરીકે કામ કરતાં અંકિતકુમાર અશ્વિનભાઈ ખંભાતા રહે.એ/૧ર/૧૦૨, સમન્વય સપ્તશ્રી, માંજલપુર વડોદરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્ને પરિવારોની મંજુરીથી તા.૧૯ જુન ર૦૨૦ના રોજ ગાંધીધામ ખાતે લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ ગીતાંજલિ વડોદરા પતિ અંકિત, સસરા અશ્વિનભાઈ તેમજ સાસુ રાજશ્રીબેન સાથે રહેતી હતી. ત્યારબાદ લગ્નના થોડા મહિનાઓ પછી પતિ અને સાસુ સસરા દ્વારા તેણીને ત્રાસ આપવાનું શરૃ કરાયું હતું અને સસરાએ રેલવે ટીકીટ કરાવીને ગાંધીધામ પરત પણ મોકલી દીધી હતી. ગીતાંજલિને ગાંધીનગરમાં નોકરી મળતાં તે ઈન્ફોસીટી ખાતે આવેલી પર્લ્સ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી અને ગત તા.૯ સપ્ટેમ્બરે તેણીએ માઈગ્રેનની ગોળીઓ ગળી લેતાં સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જયાં ૧પ સપ્ટેમ્બરે સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજયું હતું. પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને તેણે માઈગ્રેનની ગોળીઓ ગળી હોવાથી ઈન્ફોસીટી પોલીસે ત્રણેય વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

 

(4:50 pm IST)