Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગાંધીનગરના સે-21માં વૃદ્ધાને છરીની અણીએ રાખી લૂંટનો પ્રયાસ થતા ચકચાર

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-૧માં ગઈકાલે બપોરે ઘરમાં એકલા રહેલા વૃધ્ધાને છરીની અણીએ લૂંટવાનો પ્રયાસ થયો હતો. જે ગુનામાં ગાંધીનગર પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં અમદાવાદ નારોલના બે આરોપીઓને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલું બાઈક અને છરી કબ્જે લેવાયું છે. તો અન્ય એક સાગરીત ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ધંધામાં દેવું થઈ જતાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને આરોપીઓએ આઠ દિવસ અગાઉ ઘરની રેકી પણ કરી હતી.    

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી ચોરી લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સે-૧/સીમાં પ્લોટ નં.૪૭૭/૧માં સાબુ પાવડર વેચવા સેલ્સમેન બનીને આવેલા બે લૂંટારૃઓએ છરીની અણીએ વૃધ્ધાને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વૃધ્ધાએ પ્રતિકાર કરતાં આ શખ્સો ભાગી છુટયા હતા. જે સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને તેના આધારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સુચનાના પગલે એલસીબી, એસઓજીની અલગ અલગ દસ ટીમો બનાવીને આરોપીઓને શોધવા મથામણ શરૃ કરાઈ હતી. એક બાઈક ઉપર ત્રણ શકમંદ જણાયા હતા. વૃધ્ધાએ જણાવ્યું હતું કે ઘરે આવેલા આ લૂંટારૃઓ થોડા દિવસ અગાઉ પાવડર વેચવા આવ્યા હતા અને તેમની પાસેથી પાવડર લીધો હતો. જેથી પોલીસે આ પાવડરની થેલી ઉપર લખેલા નંબરના આધારે તપાસ કરતાં અમન નામના વ્યક્તિની ઓળખ થઈ હતી અને તેના આધારે કાર્તિક રાજારામ કોષ્ટીનું નામ ખુલ્યું હતું. પોલીસની ટીમે અમદાવાદના નારોલ પહોંચી હતી અને ત્યાંથી કાર્તિક રાજારામ કોષ્ટી રહે.વી-૧૦૨, આકૃતિ ટાઉનશીપ વસંતવિહાર નારોલ અને દિનેશ મોહનલાલ શ્રીકાર રહે.એફ-ર૦૧, દેવનંદન સોસાયટી નિકોલને જીજે-ર૭-બીકે-ર૦ર૧ નંબરના બાઈક સાથે ઝડપી પાડયા હતા. જે બન્ને આરોપીઓની પુછપરછ કરતાં કાર્તિકે કહયું હતું કે ગત તા. ૬ નવેમ્બરે તે અને તેના બનેવી દિનેશ મિત્ર અમન રહે.વટવા જશોદાનગર ખાતે મળ્યા હતા અને અમન પાવડરનું વેચાણ કરતો હોવાથી તેણે સે-૧માં પાવડર વેચવા ગયો ત્યારે એક વૃધ્ધાને ઘરમાં એકલા જોયા હતા અને આ વૃધ્ધાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નક્કી થયેલા પ્લાન મુજબ તેમણે મકાનની રેકી કરી હતી અને ગઈકાલે બાઈક લઈને આ ત્રણેય જણા ગાંધીનગર આવ્યા હતા. જો કે તેમાં સફળતા મળી નહોતી. ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે આરોપીઓને પ્રથમવાર ગુનો આચર્યો છે અને ધંધામાં દેવું થઈ જતાં તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ગાંધીનગરમાં અજાણી વ્યક્તિઓ માટે ઘરનો દરવાજો નહીં ખોલવા પણ તેમણે અપીલ કરી હતી. 

(4:49 pm IST)