Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

તડામાર તૈયારીઓ સાથે સુરતમાં જલારામ જયંતિની ઉજવણીને આખરી ઓપ અપાયો: મંદિરોમાં દર્શન: છપ્પન ભોગ: મહાઆરતી સહિતનું આયોજન:: ભંડારાની સાથે ૨૪ કલાક મંદિર ખુલ્લું રહેશે

સુરત: 'દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ'ના નાદ સાથે પોતાનું જીવન જીવીને પ્રેરણાના પથદર્શક બનનારા પૂજ્ય જલારામ બાપાની ૨૨૨મી  જન્મજયંતિની ઠેરઠેર ઉજવણી થવા જઈ રહી છે. કારતક સુદ સાતમને ગુરૂવારે જલારામ બાપાની જન્મ જયંતિ છે, ત્યારે સુરતના તમામ જલારામ મંદિરોમાં  તૈયારીઓએ આખરી ઓપ અપાઈ રહયો છે. સુરતના મંદિરોમાં દર્શન, છપ્પન ભોગ, મહા આરતી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને મંદિરોને પણ સજાવવામાં આવ્યાં છે. મંદિરોમાં વિવિધ આયોજન થયા છે. પરમ પૂજ્ય સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની કારતક સુદ સાતમ એટલે કે, ૧૧૧ નવેમ્બરના દિવસે ૨૨૨મી જન્મ જયંતિ છે. સુરતમાં દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સુરતમાં ભવ્ય શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો લોકો જોડાય છે. આ વર્ષે પણ સુરતમાં જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળે છે. સુરતમાં જલારામ મંદિરોમાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે.સંતવાણી ડાયરાનું આયોજન,

લસકાણા સ્થિત જલારામ બાપાના મંદિરમાં છપ્પન ભોગ, અન્નકૂટ, મહા પ્રસાદ, મહા આરતી, અને સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર તરીકે પૂનમ ગોંડલીયા, બ્રીજ રાજ ગઢવી અને પલ્લવી પટેલ હાજર રહેશે. આ ઉપરાંત બાપાની જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે ૨૪ કલાક મંદિર ભક્તોના દર્શનાથે ખુલ્લું રહેશે તેમ લાસાકાણા જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.

(4:05 pm IST)