Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભાજપમાં વોર્ડ-તાલુકા કક્ષાના પપ૦ પ્રશિક્ષણ વર્ગો

દરેક વર્ગના મંડલ સ્તરના ૧૦૦ થી ૧૨૫ કાર્યકરો અપેક્ષીતઃ બે દિવસ વિવિધ વિષયો પર જ્ઞાન અપાશેઃ ભાર્ગવ ભટ્ટ પ્રદેશના ઇન્ચાર્જઃ સૌરાષ્ટ્રનો હવાલો પ્રદીપ ખીમાણી હસ્તક

રાજકોટ, તા., ૧૦:  ગુજરાત ભાજપ દ્વારા કેન્દ્રીય સંગઠનની યોજના મુજબ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયેલ છે. દિવાળી પહેલા જિલ્લા કક્ષાના કાર્યકરો માટે આવા વર્ગો યોજાયેલ. હવે ભાજપમાં વ્યવસ્થાની દ્રષ્ટિએ મંડલ તરીકે ઓળખાતા તાલુકા અને વોર્ડ કક્ષાના પ્રશિક્ષણ વર્ગો ડીસેમ્બરમાં યોજાશે. તેની પ્રાથમિક રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. રાજયમાં કુલ પપ૦ જેટલા પ્રશિક્ષણ વર્ગો થશે. દરેક વર્ગ સ્થાનીક વિસ્તારમાં જ યોજાશે.

મંડલ કક્ષાના દરેક વર્ગ બે દિવસના  રહેશે. જે દિવસે સવારે શરૂઆત થાય તેના બીજા દિવસે બપોરે સમાપન થશે. પ્રદેશમાંથી પસંદગી પામેલા વકતાઓ વિવિધ વિષયો પર વકતવ્ય આપશે. આ વિષયોમાં ભાજપની પ્રગતી, રાજય અને કેન્દ્ર સરકારની સિધ્ધીએ સોશ્યલ મીડીયાનું મહત્વ, પાર્ટીના લક્ષ્યાંકો વગેરેનો સમાવેશ થાય છે. વર્ગના એજન્ડામાં ચૂંટણીલક્ષી કોઇ વિષયનો ઉલ્લેખ નથી પણ ગુજરાતમાં  ચૂંટણીનું વર્ષ હોવાથી સંગઠનની દ્રષ્ટિએ આ વર્ગો મહત્વના બનશે. તાલુકા અને વોર્ડની કારોબારી મોરચા સેલના પ્રમુખ સહીત દરેક વર્ગમાં ૧૦૦ થી ૧રપ જેટલા કાર્યકરો અપેક્ષીત રહેશે. વર્ગનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે.

પ્રશિક્ષણ વર્ગ માટે રાજય કક્ષાએ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ઇન્ચાર્જ રહેશે. સૌરાષ્ટ્રની જવાબદારી જુનાગઢના પ્રદીપ ખીમાણીને સોંપાયેલ છે. ઉતર ગુજરાતમાં રાજુ પટેલ, દક્ષિણમાં પ્રફુલ પાનસેરીયા અને મધ્યમાં દુષ્યંત પંડયા પ્રશિક્ષણ વર્ગ ઇન્ચાર્જ તરીકે રહેશે.

(12:51 pm IST)