Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

બિહારના બ્રેઇન ડેડ 'દિપક'ના અંગદાનથી પાંચ લોકોના 'જીવનનો અંધકાર' દૂર થયોઃ સિવિલમાં કર્યુ અંગદાન

રાજકોટમાં અકસ્માતે માથામાં ઇજા થતાં અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતોઃ ત્યાં બ્રેઇનડેડ જાહેર થયા બાદ સ્વજનો અંગદાન માટે રાજી થતાં કિડની, લિવર, ફેફસા અને હૃદયનું દાન કરવામાં આવ્યું

અમદાવાદ તા. ૧૧: બ્રેઇન ડેડ જાહેર કરાયેલા મુળ બિહારના અને કેટલાક વર્ષથી રોજગાર માટે રાજકોટ રહેતાં દિપકકુમાર અશોકરામ પ્રસાદ નામના યુવાનને રાજકોટમાં દૂર્ઘટનામાં ઇજા થતાં ગંભીર રીતે ઘાયલ થયો હોઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેને ગયા શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષીત કરાયો હતો. એ પછી તેના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવતાં પરિવારજનોએ અંગદાન માટે સ્વીકૃતિ આપતાં દુનિયામાંથી વિદાય લેતાં લેતાં દિપક બીજા પાંચ લોકોના જીવનમાં ઉજાસ છોડતો ગયવો હતો.

અમદાવાદ સિવિલના અધિક્ષક ડો. રાકેશ જોષીના કહેવા મુજબ દિપક મુળ બિહારનો વતની હતો. રાજકોટમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેને અકસ્માતમાં માથામાં ઇજા થતાં રાજકોટથી અમદાવાદ સિવિલમાં રીફર કરાયો હતો. અહિ પાંચમી તારીખે બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. એ પછી તેના પરિવારજનોને અંગદાન કરવા સમજાવાતાં પરિવારજનો માની ગયા હતાં. દિપકના પાંચ અંગો કિડની, ફેફસા, હૃદય  અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. આ પાંચ અંગો બીજા જરૂરીયાતમંદને મળતાં દિપક જતાં જતાં આ લોકોના જીવનના અંધકારને દૂર કરી પ્રકાશ રેલાવતો ગયો હતો.

ડો. જોષીના કહેવા મુજબ છેલ્લા દસ મહિનામાં અમદાવાદ સિવિલમાં ૧૮ બ્રેઇન ડેડ લોકોના અંગોના દાન કરાવવામાં આવ્યા છે. આ દાતાઓના ૬૨ અંગોને કારણે ૫૦ લોકોના જીવન બચાવવામાં આવ્યા છે. અંગદાન માટે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને આ કામમાં રાજ્યમાં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (સોટો)ની ભુમિકા ખુબ મહત્વની સાબિત થઇ રહી છે.

(11:32 am IST)