Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં રહેણાંક, વેપાર, ઉદ્યોગ, ખેતી સહિત ૫૫ લાખ વીજ જોડાણો કાર્યરત

પ્રિ.પેઇડ વીજ મીટર મૂકાશે : સરકારી કચેરીઓથી શરૂઆત

જેટલી વીજળીની જરૂર હોય એટલું રિચાર્જ કરી શકાશેઃ સરકારને વીજળીના નાણા અગાઉથી મળી જશે અને વીજ ચોરીના દરવાજા બંધ થશે

રાજકોટ તા. ૧૦ : રાજ્‍ય સરકાર ગુજરાતની સરકારી કંપનીઓના વીજ ગ્રાહકો માટે ડીજીટલ પ્રિપેઇડ વીજ મીટરની યોજના લાવી રહી છે. ટુંક સમયમાં તેનો પ્રારંભ થશે. પ્રથમ સરકારી કચેરીઓમાં અને ત્‍યારબાદ તબક્કાવાર રહેણાંક, વેપાર, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે પ્રિપેઇડ મીટર લગાવાશે. શરૂઆતમાં વીજ મીટર યોજના સ્‍વૈચ્‍છીક રહેશે. તેની સફળતા જોયા પછી ફરજિયાત કરવા અંગે સરકાર નિર્ણય લેશે. સ્‍માર્ટ વર્ક કરતા આ મીટરોની યોજના ગુજરાતમાં વીજ વ્‍યવસ્‍થાપન ક્ષેત્રે ક્રાંતિકારી કદમ બની રહેશે. પી.જી.વી.સી.એલ.ના કાર્યક્ષેત્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હાલ જુદા-જુદા પ્રકારના પંચાવન લાખ જેટલા વીજ જોડાણ કાર્યરત છે.
સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ પ્રિ-પેઇડ વીજ મીટરમાં ગ્રાહકે અગાઉથી જ વીજ વપરાશના નાણા ચૂકવી દેવાના રહેશે. હાલ વીજ ગ્રાહકોને નિયત સમય દર એક માસ કે બે માસે વીજ મળે પછી ભરે છે તેના બદલે વપરાશની જરૂરીયાત જેટલા નાણા અગાઉથી જ ભરી દેવાના રહેશે. વીજ મીટરમાં થોડી બેલેન્‍સ રહે ત્‍યારે ગ્રાહકને ફરી રિચાર્જ કરાવવાની જરૂરિયાતનો મેસેજ આપોઆપ મળી જશે. ગ્રાહકે ફરીથી રિચાર્જ કરાવી શકશે. રિચાર્જ ઓનલાઇન થઇ શકશે. પ્રિ-પેઇડ મીટર વસાવવાના બદલામાં ગ્રાહકે સરકારને તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ બહુ વધારે નહિ હોય.
પ્રિ-પેઇડ વીજ મીટર લાગવાથી મીટર રીડરોએ ઘરે-ઘરે જઇને બીલ આપવાની મહેનત બચી જશે. સમય, શકિત અને સ્‍ટેશનરીનો બચાવ થશે. હાલની મીટર પધ્‍ધતિમાં ચેડા કરી થઇ શકતી વીજ ચોરીનો દરવાજો પણ બંધ થઇ જશે. ક્‍યા ગ્રાહકે કેટલી વીજળી વાપરી તેનો વીજ કંપની પાસે રેકોર્ડ રહેશે. શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે સરકારી કચેરીઓમાં પ્રિ-પેઇડ મીટર લગાવવામાં આવશે. તેના અનુભવના આધારે યોજનાનો વ્‍યાપ વધારવામાં આવશે.

 

(11:17 am IST)