Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભૂપેન્દ્રભાઇ પટેલના મિશન ૨૦૨૨ અભિયાનના કચ્છથી પ્રારંભ : ૧૬ જિલ્લાઓમાં ભાજપના કાર્યકરો નેતાઓને મળશે

કચ્છમાં પ્રશ્નોની ભરમાર : નર્મદાનું પાણી, ખરાબ રસ્તાઓ, નવી શરતના પ્લોટો, અતિવૃષ્ટિના વળતર, ભૂ, ખનીજ, બેઝ ઓઇલ માફિયાઓની રાજકીય સાંઠગાંઠ ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : આવનારા ૨૦૨૨ના વર્ષેઙ્ગ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ માથે છે. ત્યારે કોંગ્રેસ હજીયે અનિર્ણિત અવસ્થામાં છે, આપ દોડવાની કોશિશમાં છે અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગયા અઠવાડિયે કચ્છનો પ્રવાસ કરીઙ્ગ ચૂકયા છે. તે વચ્ચે ભાજપે મિશન ૨૦૨૨ની તૈયારી શરૂ કરી દીધી છે.ઙ્ગ

વિજયભાઇ રૂપાણી બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ૨૦૨૨ ની ચુંટણીઓમાં ઝળહળતી સફળતા મેળવવી એ ભાજપ મોટો પડકાર છે. નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પક્ષના શાસકો અને સંગઠન વચ્ચે પડી ગયેલા અંતરને ઘટાડવા ઉપર જોર લગાવી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, શાકભાજીના વધતાં જતાં ભાવો અને મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. ૨૦૨૨ ની ચુંટણીઓ દરમ્યાન રોજિંદા પ્રશ્નો સાથે સ્થાનિક દરેક જિલ્લાઓના પ્રશ્નો પણ અનેક છે.

૨૦૨૨ના મિશનમાં ભારે બહુમતી માટે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જરૂરી હોવાનું માનતા ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં કાર્યકરો અને નેતાઓ સાથે સ્નેહમિલનની શરૂઆતનો પ્રારંભ કરશે.

કુલ ૧૬ જિલ્લાઓમાં કાર્યકર મિલનની શરૂઆતનો પ્રારંભ આજે કચ્છથી થઈ રહ્યો છે ત્યારે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સામે કચ્છના ચર્ચાતા અનેક પ્રશ્નો ચર્ચામાં છે. સૌથી મોટો પ્રશ્ન ખરાબ રસ્તાઓનો છે, શાસક પક્ષના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા ખુદ ફરિયાદ કરી ચૂકયા છે કે, અધિકારીઓ રસ્તા રીપેરીંગ માટે દાદ આપતાં નથી. પ્રવાસન સ્થળો માતાના મઢ અને નારાયણ સરોવર ને જોડતા રસ્તાઓ મરમ્મત માંગે છે. ભુજ નજીક ભૂજોડી ઓવરબ્રીજનું કામ વર્ષોથી અધૂરું છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વાયદાઓ બાદ પણ કામ પૂરું થતું નથી. ભૂકંપગ્રસ્ત ૫ હજાર પરિવારોને સ્પર્શતા નવી શરત ના પ્લોટને ૨૦ વર્ષ પછી પણ જૂની શરતમાં ફેરવવા બાબતે સરકારની અનિર્ણાયકતા, કચ્છના પ્રાણ પ્રશ્ન નર્મદાના સિંચાઈના પાણીને વહીવટી મંજુરી આપવામાં આવે અને બ્રાંચ કેનાલના કામો શરૂ કરવામાં આવે તે માટે વારંવાર ભારતીય કિસાન સંઘ અને નર્મદા જળ સંકટ સમિતિ રજૂઆતો કરી રહી છે, અતિવૃષ્ટિ દરમ્યાન પાકનું વળતર આપવા, ખેતીની જમીનમાં વીજ કંપનીઓ દ્વારા બળજબરી ઊભા કરાતાં થાંભલાઓ, ભૂ, ખનિજ અને બેઝ ઓઈલના બેનામી ધંધાઓમાં શાસક પક્ષના કનેકશનઙ્ગ ચર્ચામાં છે.

જોકે, કચ્છ જિલ્લો એ ભાજપ માટે ગઢ રહ્યો છે, પણ પોતાના મતદારોના પ્રશ્નોને સમયસર ઉકેલવા માટે પ્રજાકીય પ્રતિનિધિઓ પણ કયાંક ને કયાંક ઉણા ઉતર્યા છે, ત્યારે મુખ્યમંત્રી અને સરકાર પ્રજાકીય પ્રશ્નો ઉકેલવામાં પહેલ દર્શાવે એ પણ જરૂરી છે. પ્રજા અને સરકાર વચ્ચે સંગઠન ની ભૂમિકા પણ લોક પ્રશ્નો ઉકેલવામાં પૂરક હોય છે.

(10:20 am IST)