Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સુરતમાં દિપાવલી તહેવારો પૂર્ણ થતા પાંચ પ્રવેશદ્વારો ઉપર RT-PCR ટેસ્‍ટનો પ્રારંભઃ કોરોના પ્રસરે નહીં તે માટે કોરોના ટેસ્‍ટીંગની જડબેસલાક કવાયત

કોર્પોરેશન અને કલેકટર તંત્ર એલર્ટઃ રસીના 2 ડોઝ લેનારને ટેસ્‍ટીંગમાંથી મુક્‍તિ

સુરતઃ દિવાળીની રજા માણી સુરત પરત ફરનારા 500થી વધુનું 7 પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં રાજ્ય બહારથી આવતા લોકો પાસેથી RT-PCR ટેસ્ટના રિપોર્ટ પણ મંગાયા છે. એરપોર્ટ પર 293 પૈકી 13 યાત્રીઓનું ટેસ્ટિંગ કરાયું, એક પણ પોઝિટિવ કેસ ન મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છેકે, હજુ પણ કોરોના ગયો નથી તેથી વારંવાર તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવે છે.

દિવાળીમાં બહારગામ ગયેલાં શહેરીજનોએ લાભ પાંચમ પહેલાની પુર્વ સંધ્યાથી પરત ફરવાનું શરૂ કર્યું છે. તે જોતા પાલિકાએ રેલવે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ ઉપરાંત શહેરનાં 5 પ્રવેશ દ્વારો પર લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત જડબેસલાક બનાવી હતી. સોમવારે સ્ટેશન પર 250, બસ ડેપો પર 250 ટેસ્ટિંગ કીટ ઉપયોગમાં લેવાઇ હતી. એરપોર્ટ પર બપોરે 2 વાગ્યા સુધીમાં ઉતરેલા 293 યાત્રીઓ પૈકી 13ના ટેસ્ટિંગ કરાયાં હતાં. જોકે, આ તમામ સ્થળે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

સૂત્રોએ કહ્યું કે, દિવાળી પહેલાં જ પાલિકાએ બહારગામ જતા લોકો પરત ફરે ત્યારે કોરોના ટેસ્ટિંગ કરાવવાનો આગ્રહ રાખે તેવી તાકીદ કરી હતી. લાભ પાંચમથી બજારો ખુલે તે પહેલાં લોકોએ સોમવારથી પરત ફરવાનું શરૂ કર્યું છે ત્યારે પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી હતી. તેવી જ રીતે રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર પણ ટેસ્ટિંગ રિપોર્ટ મંગાયા હતા. પાલિકાએ વિવિધ ચેકપોસ્ટ સહિતના સેન્ટરો પર કરેલી રેપિડ ટેસ્ટમાં કોઇ પોઝિટિવ મળ્યું ન હોવાનું પણ સત્તાવાર રીતે જણાવાયું હતું.

ક્યાં કેટલા ટેસ્ટ કરાયાં?

રેલવે સ્ટે.        250

બસ ડેપો       250

એરપોર્ટ        13

વાલક          90

જહાંગીરપુરા    70

પલસાણા       80

સરોલી          75

સાયણ          75

રસીના બે ડોઝ લીધા હોય તેવાને મુક્તિ:

રાજ્ય બહાર ગયેલા લોકો પાસે 72 કલાકની મર્યાદાવાળા આરટીપીસીઆર રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે. જોકે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવાને ટેસ્ટિંગમાંથી મુક્તિ અપાઇ હતી.

17 ઇન્ટરનેશનલ યાત્રીનું રિ-ચેકિંગ:

સોમવારે એરપોર્ટ પર 17 ઇન્ટરનેશનલ પેસેન્જર વાયા દિલ્હી આવ્યા હતા. કુલ 17માંથી 14 સિટી છે જ્યારે ૩ બહારના છે, જેમને આરટીપીસીઆર તથા વેક્સિન સર્ટિનું રિ-ચેકિંગ કરાયું હતું.

(4:37 pm IST)