Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

દિવાળી બાદ બરોડામાં કોરોના કેસ વધ્યા : પાંચ દિવસમાં ર૭ કેસ નોંધાયા

ડેન્ગ્યુ-ચિકન ગુનિયા પણ વકરતા ચિંતા વધી

વડોદરા, તા.૯ : શહેરમાં ફરી કોરોના ધીમેધીમે માથુ ઉંચકી રહ્યો છે. વડોદરા શહેરમાં રવિવારે ૬ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા જેની સાથે કોરોનાના એકિટવ કેસોની સંખ્યા ૬૨ પર પહોંચી હતી, આમ છેલ્લા પાંચ દિવસમાં ૨૭ કોરોના કેસ સામે આવ્યા છે. હરણી, અકોટા, ગોરવા, માંજલપુર અને છાણીમાં પોઝિટિવ કોરોના કેસ નોંધાયા છે.

છેલ્લા ૧૫ દિવસમાં એકિટવ કેસની સંખ્યામાં વધારો થયો છે તો વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તો બીજી તરફ કોરોના સાથે ચિકનગુનિયા, ડેન્ગ્યૂ , તાવ જેવા રોગોએ પણ શહેરને ભરડામાં લીધું છે. પાંચ દિવસમાં ડેન્ગ્યૂના ૨૭ કેસ, ચિકનગુનિયાના ૨૧ કેસ સામે આવ્યા છે.  જ્યારે તાવની બિમારી ધરાવતા દર્દીઓની સંખ્યા ૩૦૬ ઉપર પહોંચ્યો છે.

જો કોરોનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરકારી ચોપડે એકિટવ કેસની સંખ્યા ૬૨ને પાર પહોંચી ગઈ છે. હાલ શહેરમાં ૨ દર્દી ઓકિસજન સપોર્ટ જ્યારે ૧ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ૧૫ દિવસ અગાઉ કોરોનાના એક પણ કેસ સામે આવ્યો ન હતો જો કે દિવાળી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે અન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે.

(3:10 pm IST)