Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે લાભપાંચમની આનંદભેર ઉજવણી કરાઇ : આચાર્ય જિતેન્‍દ્ર પ્રિયદાસ મહારાજે આશીર્વાદ આપ્‍યા

અમદાવાદ : હિંદુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે. આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, શ્રી પંચમી, સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ જેવા ઘણા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ ૫ ના દિવસે મનાવવામા આવે છે.

મણિનગર સ્વામિનારાયણ ગાદી  સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસ સ્વામી મહારાજની અધ્યક્ષતામાં જ્ઞાન પાંચમ લાભ પાંચમની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.

પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસ મહારાજે દિવ્ય આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, લૌકિક વ્યવહાર માટે પ્લાન કરીએ છીએ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્લાન કરવો જોઈએ તથા અવરભાવમાં પરભાવ કરવાનો છે. જગતસંબંધી મનની આસક્તિને ભગવાનસંબંધી જોડવાનું છે. નવા વર્ષનાં શુભ દિવસે સારાં વિચાર સાથે ભગવાનને પ્રાર્થના કરતાં સારું જીવન જીવીએ તથા કામ, ક્રોધ, લોભ, મોહ, માયાને તિલાંજલિ આપી ભગવત્પરાયણ જીવન જીવીએ. દેશ પરદેશના હરિભક્તોએ આ અવસરનો લાભ તથા ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.

આજે ધંધા કે દુકાનોના મૂહુર્ત કરવાનો દિવસ છે. અને આખું વર્ષ સારું જાય અને લાભ થાય એવી આશા રાખીએ છીએ.લાભ પાંચમે કરેલું કાર્ય આપણને લાભ જ આપે છે. પણ શેનો લાભ? લાભ એટલે રૂપિયા, ધન દોલત જ નહીં પણ સારું કાર્ય કર્યાનો લાભ.

સૌભાગ્યનો મતલબ હોય છે સારું ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારું ભાગ્ય અને ઉન્નતિ આવે છે. ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મૂહુર્ત જોવાની જરૂર નથી હોતી.

(12:05 am IST)