Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

છેવાડાના માનવીનો વિકાસ સરકારનો અમોઘ મંત્ર રહ્યો

સરકાર નબળા વર્ગના લોકોના હિત સાથે જોડાઇ છે : આણંદના તારાપુર ખાતે જનવિકાસ અભિયાન કાર્યક્રમમાં વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને હાથોહાથ અપાયો

અમદાવાદ,તા.૧૦ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ખાતે યોજાયેલા જનવિકાસ ઝૂંબેશ કાર્યક્રમમાં ૧૭ હજાર જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ હાથોહાથ અર્પણ કરતા જણાવ્યું  કે, રાજ્ય સરકારની કાર્યશૈલીના ચાર મૂળ સિદ્ધાંતો - પારદર્શક્તા, સંવેદનશીલતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના પાયા ઉપર છેવાડાના માનવીનો વિકાસ એ જ અમારો અમોઘ મંત્ર છે. ભાલપ્રદેશના પ્રવેશદ્વાર સમા તારાપુર ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા  મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો, દલિતો, યુવાનો, ખેડૂતોના હિતોને વરેલી છે. આ સરકાર પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી છે. એટલા માટે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, પહેલા  કોંગ્રેસના સમયમાં એવું કહેવાતું હતું કે, કેન્દ્ર સરકાર એક રૂપિયો પ્રજાની માટે મોકલે તો એમાંથી માત્ર ૧૫ પૈસા જ લોકો સુધી પહોંચતા હતા. ૮૫ પૈસા વચેટિયા જમી જતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. જેના પરિપાકરૂપે ગરીબ કલ્યાણમેળાના કાર્યક્રમનો ઉદ્દભવ થયો. હવે લોકોને તેમના ઘર બેઠા સરકારની યોજનાઓ લાભ મળે છે.

                   વચેટિયાનો સહારો લેવો પડતો નથી. કોઇનો ઝભ્ભો પકડવો પડતો નથી કે  ચપ્પલ ઘસવા પડતા નથી. સંપૂર્ણપણે પારદર્શક્તાથી અને સંવેદનશીલતાથી લોકોને તેમને મળવાપાત્ર લાભ હાથોહાથ મળી રહ્યા છે. એથી જ હવે નરેન્દ્ર મોદી એક રૂપિયાની યોજના બનાવે તો તેમાંથી સવા રૂપિયા જેટલા લાભ થાય છે. સરકારી યોજનાના લાભ લેવામાં સાચો રહી ન જાય અને ખોટો ખાટી ન જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, તેમ કહેતા રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાત સરકાર government with difference બની ગઇ છે. સરકારે જનહિતના નિર્ણયો પૂરી ત્વરાથી લીધા છે. કારણ કે, અનિર્ણાયક્તા જ વિકાસને રૃંધે છે. જે નિર્ણય કાલે કરવાનો હોય તે આજે જ કરવામાં આવે છે. આ સરકાર ઇમાનદાર અને સ્પષ્ટે કામ કરનારાઓની  સરકાર છે. વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, વિધવા માતા બહેનોને તેમના પુત્રની ઉંમરના બાધ વિના પેન્શન આપવાનો નિર્ણય સરકારે એક જ ઝાટકે લીધો છે. વિધવાઓને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો અધિકાર છે. તેવી જ રીતે ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ ત્વરાએ આપવામાં આવે છે. ગરીબ પરિવાર ઉપર આવેલા ગંભીર આરોગ્ય સંકટ સમયે સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના, આયુષ્યનમાન કાર્ડ કવચરૂપ સાબીત થાય છે.

(9:42 pm IST)