Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અમદાવાદ શહેર-જિલ્લામાં ઘણા ભાગમાં પડેલો વરસાદ

અમરેલી પંથકમાં પણ વરસાદ પડતા ઠંડક : ૧૩ અને ૧૪મી નવેમ્બરના દિવસે ભારે વરસાદની વકી

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો જેના કારણે ઠંડક પ્રસરી હતી. બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલી પંથક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાોગમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદમાં બ્રેક રહેતા રાહત થઇ હતી. જો કે, હાલના કમોસમી વરસાદના પરિણામ સ્વરુપે ખેડૂતોને ભારે નુકસાન થઇ ચુક્યું છે. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ દરમિયાન કોઇ વરસાદની વાત કરવામાં આવી નથી પરંતુ ૧૩ અને ૧૪મી નવેમ્બરના દિવસે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે.

                     સૌરાષ્ટ્ર અને કચ્છના જે ભાગોમાં વરસાદ પડી શકે છે તેમાં મોરબી, રાજકોટ, જામનગર, કચ્છનો સમાવેશ થાય છે. આજે અમરેલી પંથકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બીજી બાજુ અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ હળવો વરસાદ થયો હતો. અમદાવાદ શહેરના એસજી હાઈવે, જીવરાજપાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. બીજી બાજુ ચાંગોદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. એકબાજુ ઓરિસ્સા અને બંગાળમાં બુલબુલ વાવાઝોડાએ ભારે આતંક મચાવી દીધો છે. બાંગ્લાદેશ તરફ આગળ વધતા પહેલા બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ પવન સાથે ભારે વરસાદ થતાં ૧૦થી વધુ લોકોના મોત થયા છે ત્યારે હાલમાં જ ગુજરાતમાં પણ મહાવાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. હાલના કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થઇ ચુક્યું છે. પહેલાથી જ મુશ્કેલીમાં રહેલા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો થઇ ચુક્યો છે.

(9:38 pm IST)