Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રામમંદિરની તરફેણમાં ચુકાદો આવતાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બાધા પૂરી

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મિઠાઇ ન ખાવાની બાધા રાખી હતી : ભુપેન્દ્રસિંહ ચુડાસમાની છેલ્લા ૨૯ વર્ષથી બાધાઓ હતી

અમદાવાદ, તા. ૯ : અયોધ્યામાં રામ જન્મભૂમિના કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સાથે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૯ વર્ષ જૂની બાધા પૂર્ણ થઈ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ વર્ષે ૧૯૯૦ માં અયોધ્યામાં રામ મંદિર  બને તે માટે મીઠાઈ નહી ખાવાની બાધા લીધી હતી આજે તે બાધા હવે પૂર્ણ થઈ છે. ચુડાસમાએ પોતાની બાધા ફળતાં અને રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો બનતાં ભારે ખુશી વ્યકત કરી હતી.      વીતેલી સદીથી ચાલી રહેલો અયોધ્યાનો રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા આજે જજમેન્ટની સાથે અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિ રામ લલા બિરાજમાનને આપવાનો ચુકાદો આપ્યો છે, ત્યારે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૯ વર્ષે જૂની બાધા હવે ફળી છે. વર્ષે ૧૯૯૦માં રામ મંદિરના નિર્માણ માટે નીકળેલી રથયાત્રા સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે બાધા રાખેલી હતી.જે અંતર્ગત છેલ્લા ૨૯ વર્ષથી ભુપેન્દ્રસિંહ કોઈપણ જાતની મીઠાઈ કોઇપણ પ્રસંગે ખાતા નહોતા.

                ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ માં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક માત્ર ઓફીસ એવી છે કે જ્યાં તેમને મળવા આવનાર તમામ મુલાકાતીઓનું મીઠું મોઢું બારે માસ કરવામાં આવે છે, પરંતુ મીઠું મોઢું કરાવનાર ભુપેન્દ્રસિંહ જ રામ મંદિર માટે છેલ્લા ૨૯ વર્ષથી પોતાનું મોઢું મીઠું કરતાં ન હતા. દરમ્યાન સુપ્રીમકોર્ટે આજે રામમંદિરની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપતાં ચુડાસમાએ ભારે ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી તા.૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦માં યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે તે યાત્રામાં હું પણ સામેલ થયો હતો, મેં ભગવાનની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામ રામ મંદિર નહિ બને ત્યાં સુધી હું મીઠાઈ નહિ ખાવ, આજે ૨૯ વર્ષે બાદ મારી એ બાધા ફળી છે, તેનો મને આનંદ છે. હવે જલ્દી રામમંદિર નિર્માણ થાય બસ.

(8:07 pm IST)