Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

જુદા જુદા રાજયોના ફુડ સેફ્ટી કમિશનર આજે અમદાવાદમાં

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શાહ મુખ્ય મહેમાનઃ દેશના જુદા જુદા રાજ્યોના ફુડ સેફ્ટી કમિશનર સહિતના હોદ્દેદારો માટે એક વિશેષ લર્નિંગ-ટ્રેનિંગ સેમીનાર રહેશે

અમદાવાદ,તા.૧૦: ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગેના સામાન્ય એવા સમગ્ર ગુજરાત રાજયમાં પડતર એવા સાડા ત્રણ હજારથી વધુ કેસો પૈકી ત્રણ હજાર કેસોનો ભારે જાગૃતતા અને સમયસૂચકતા સાથે નિકાલ કરવા બદલ ખુદ ફુડ સેફ્ટી ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજયની કામગીરી બિરદાવી તેને પ્રેરણારૃપ ગણાવી હતી ત્યારે હવે દેશના અન્ય રાજયોમાં પણ ભેળસેળના સામાન્ય કેસોના કઇ રીતે ત્વરિત અને અસરકારક નિકાલ થાય તે માટે દેશના તમામ રાજયોના ફુડ સેફ્ટી કમિશનર સહિતના પદાધિકારીઓ માટે એક ખાસ લર્નિંગ અને ટ્રેનીંગ સેમીનારનું આવતીકાલે અમદાવાદ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય વાત એ છે કે, આવતીકાલના આ સેમીનારમાં ગુજરાત હાઇકોર્ટના આપણા વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલમાં જ સુપ્રીમકોર્ટમાં નિયુકત થયેલા જસ્ટિસ એમ.આર.શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે અને આ વિષય પરત્વે કાયદાકીય દ્રષ્ટિકોણથી જરૃરી માર્ગદર્શન પણ આપશે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની હાજરી એટલા માટે માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે કારણ કે, અગાઉ જયારે જસ્ટિસ એમ.આર.શાહ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ હતા ત્યારે ભેળસેળના કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે તેમણે પ્રેરણારૃપ દિશાસૂચનો આપ્યા હતા. આ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પડતર ભેળસેળના સામાન્ય કેસો પૈકીના ત્રણ હજાર કેસોને ઝડપી અને અસરકારક નિકાલ કરવામાં આવ્યો છે, જયારે રૃ.૭.૫૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. અન્ય રાજયોમાં પણ હવે ગુજરાતની માફક જ આ પ્રકારના ભેળસેળના કેસોમાં ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉપયોગી જાણકારી, માર્ગદર્શન અને કાનૂની ઉકેલ મળી શકે તે હેતુથી આવતીકાલે શહેરમાં રાજય સરકાર, આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે મહત્વના લર્નિંગ એન્ડ ટ્રેનીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ શાહ ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ કે.જાની, રાજયના આરોગ્યવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમાર, રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશીયા સહિતના અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ સેમીનારમાં દેશના તમામ રાજયોમાં ફુડ એન્ડ સેફ્ટી કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના અધિકારીઓ, પદાધિકારીઓ પાસેથી ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી મેળવશે. ત્યારબાદ તેઓ ગુજરાતની જેમ તેમના રાજયોમાં પણ ભેળસેળના કેસોનો અસરકારક નિકાલ માટે કાર્યવાહી કરશે.

(11:56 pm IST)