Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કર્યા : શુભકામના પાઠવી

સ્થાનિક આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છા પાઠવી : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અમિતભાઇની શુભેચ્છા મુલાકાત લીધી : બંને વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચાઓ

અમદાવાદ,તા. ૧૦ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં ચાર દિવસના ધામા નાંખ્યા હોઇ તે દરમ્યાન તેમણે મેમનગર સુભાષ ચોક ખાતેના જાણીતા ભીડભંજન હનુમાનજી મંદિર, વસ્ત્રાપુરના કલ્યાણપુષ્ટિ હવેલી સહિતના દેવમંદિરોની મુલાકાત લીધી હતી તો, સાથે સાથે લોકસભાની ચૂંટણી અને દિવાળીના તહેવારોને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. તહેવારોમાં અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇ ગુજરાત ભાજપમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેર સહિત રાજયમાં દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો હતો ત્યારે દિવાળીના દિવસે બપોરે અચાનક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ખાતેના જાણીતા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. પ્રસંગે મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કર્ણાવતી મહાનગર બક્ષીપંચ મોરચાના વાઇસ પ્રેસીડેન્ટ કમલેશ બ્રહ્મભટ્ટે ભીડભંજન હનુમાનજી મંદિરનો વિશેષ ખેસ પહેરાવી અમિતભાઇ શાહનું ખાસ સન્માન કર્યું હતું અને તેમને દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવી હતી. બીજીબાજુ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને અચાનક પ્રકારે મેમનગરમાં જોઇને સ્થાનિક લોકો ત્યાં ઉમટી પડયા હતા અને ભારે ભીડભાડ અને ટોળાના દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ અમિતભાઇ શાહ સાથે સેલ્ફી લેવાનો અને તેમના ફોટા મોબાઇલથી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. બીજા દિવસે, બેસતા વર્ષના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પોતાની પત્ની, પુત્ર જય શાહ સહિતના પરિવારજનો સાથે શહેરનાવસ્ત્રાપુર વિસ્તારમાં કલ્યાણ પુષ્ટિ હવેલીમાં ગોવર્ધનનાથજીના દર્શન કર્યા હતા. મંદિરના પૂજારી તરફથી પણ અમિતભાઇને શાલ ઓઢાડી સન્માન કરી તેમને પ્રસાદ આપવામાં આવ્યો હતો. કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે અમિતભાઇના આગમનથી લોકોમાં કૂતુહલ સર્જાયું હતું અને લોકોએ અમિતભાઇના ફોટા લેવા પડાપડી કરી હતી. દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં હોઇ નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી, સ્થાનિક કોર્પોરેટરો રમેશ દેસાઇ, ભાવનાબેન વાઘેલા, કર્ણાવતી મહાનગર બક્ષીપંચ મોરચાના વાઇસ પ્રેસીડેન્ટ કમલેશ બ્રહ્મભટ્ટ સહિત ભાજપના અનેક સ્થાનિક આગેવોનો અને કાર્યકરોએ અમિતભાઇની એસજી હાઇવે પરના તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઇ તેમને તહેવારોની શુભકામના પાઠવી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અમિતભાઇએ પણ ભાજપના તમામ આગેવાનો-કાર્યકરોને દિવાળીના તહેવારની મીઠાઇ શુભેચ્છાના પ્રતિકરૂપે આપી હતી. જેને લઇ ભાજપમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

 દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ અમિત શાહની વિશેષ મુલાકાતે પહોંચ્યા હતા, જયાં તેમને દિવાળી-બેસતા વર્ષના તહેવારની શુભેચ્છા પાઠવી હતી. બંને મહાનુભાવો વચ્ચે લોકસભાની ચૂંટણી સહિતના મુદ્દાઓને લઇ ઔપચારિક ચર્ચા પણ થઇ હતી.

(9:14 pm IST)