Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમદાવાદઃ નવા વર્ષો IPS અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહ્યાં ઉપસ્થિત

પ્રાંત અને ભાષાના નામે જે ષડયંત્ર ઉભુ કરાયું હતું તેને નિષ્ફળ બનાવવામાં તંત્ર સફળ રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી

અમદાવાદઃ અમદાવાદ શાહીબાગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી તેમના પત્ની અંજલીબેન  રૂપાણી તેમજ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ, સીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસ નાથન, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, અમદાવાદ જિલ્લા કલેક્ટર, અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

  આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ પોલીસ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ ગુજરાતની ઓળખ છે. રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સરકાર અને તંત્ર કટિબદ્ધ છે. હાલ જે પ્રકારે આર્થિક ગુનાઓ બની રહ્યાં છે ત્યારે તે દિશામાં પણ કાર્ય કરવાની જરુરિયાત છે. નવા વર્ષમાં વધુ સારી દિશામાં પોલીસ કામગીરી કરે અને હાલ ટેકનોલોજીના યુગમાં સ્માર્ટ પોલીસની આવશ્યક્તા છે. હાલમાં પ્રાંત અને ભાષાના નામે જે ષડયંત્ર ઉભુ કરાયું હતું તેને નિષ્ફળ બનાવવામાં તંત્ર સફળ રહ્યું હોવાનું પણ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. 

(5:30 pm IST)