Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પસંદગીનું ભોજન ન મળતા મુનાફ પટેલે કરેલો હોબાળો

વિજય હજારે ટ્રોફી દરમિયાન વિવાદ સપાટીએ: બોઇલ વેજીટેબલ નહીં મળતા મેન્ટર અને ટ્રેનરે હોબાળો મચાવ્યો : વેઇટરોના મુનાફ પટેલની સામે વળતા જવાબો

અમદાવાદ, તા.૧૦: વડોદરા શહેરના મોતીબાગ ખાતે રમાઇ રહેલી વિજય હજારે ક્રિકેટ ટ્રોફી મેચમાં લન્ચ સમયે પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં બી.સી.એ.માં મેન્ટર તરીકે કામ કરતા મુનાફ પટેલ અને ટ્રેનર તરીકે કામ કરતા ફૈઝલખાને જમવા બાબતે હોબાળો મચાવ્યો હતો. મેન્ટર અને ટ્રેનરને મનપસંદ ભોજન ન મળતા હોબાળો મચાવ્યો હતો. જો કે, મામલો ઉગ્ર બને તે પહેલાં જ બી.સી.એ.ના સત્તાધીશો દોડી ગયા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. વડોદરા શહેરના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે હાલ વિજય હજારે ક્રિકેટ ટ્રોફી ચાલી રહી છે. જેમાં બપોરે લંચ દરમિયાન મેન્ટર મુનાફ પટેલ અને ટ્રેનર ફૈઝલખાન જમવા માટે ગયા હતા. જેમાં ફૈઝલખાને કેટરિંગના વેઇટરો પાસે બોઇલ વેજીટેબલની ડિમાન્ડ કરી હતી. પરંતુ કેટરિંગના વેઇટરોએ હાલમાં બોઇલ વેજીટેબલ ન હોવાનું જણાવતા ફૈઝલખાને હોબાળો મચાવ્યો હતો. આ સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર અને મેન્ટર મુનાફ પટેલે પણ પોતાની પસંદગીનું ભોજનની માંગણી કરી હતી. વેઇટરોએ હાજર સ્ટોકમાં ન હોવાનું જણાવતા મુનાફે વેઇટરોનો ઉધડો લઇ નાખ્યો હતો. વેઇટરોએ પણ પોતાનું સ્વમાન ઘવાય તેવા શબ્દો સાંભળી ન શકતા મુનાફ પટેલ અને ફૈઝલ ખાનને સામે જવાબો આપ્યા હતા. સમગ્ર મામલો ઉગ્ર બનતા બરોડા ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશો મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. દરમ્યાન બીસીએના મીડિયા કમિટીના સભ્ય સત્યજીતસિંહ ગાયકવાડે આ બાબતે જણાવ્યું હતું કે, કેટરિંગ સંચાલકો જે પ્રમાણે મેનું નક્કી થયું હોય તે પ્રમાણે ભોજન બનાવે છે. સ્વાભાવિક છે કે, હાજર સ્ટોકમાં કોઇને જે પસંદ હોય તેવી ચીજવસ્તુ મળી શકે નહીં. અને વેઇટરોએ પણ ક્રિકેટરો સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરવું જોઇએ નહીં. આજે બનેલી ઘટના સામાન્ય છે. જો, મુનાફ પટેલ અને ફૈઝલ ખાને અગાઉથી બી.સી.એ.ને જમવા માટે પોતાની પસંદગીનું મેનુ આપ્યું હોત. તો બી.સી.એ. દ્વારા વ્યવસ્થા કરી દીધી હોત. આજના બનાવને લઇ ક્રિકેટજગતમાં થોડી ચર્ચા જગાવી હતી.

(9:58 pm IST)