Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

થરા- રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા દોડધામ : જ્વાળાઓના ગોટેગોટા

સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડ દ્રારા રાહત બચાવ કામગીરી શરૂ

રાધનપુર અને થરા હાઇવે પર બપોરે અચાનક ટેન્કર આગ લાગતા અફરાતફરી સર્જાઇ છે. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોઇ આગની જ્વાળાઓથી ગોટેગોટા સર્જાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડ દ્રારા રાહત બચાવ કામગીરી શરૂ થઇ છે.

પાટણ જીલ્લાના રાધનપુર અને બનાસકાંઠાના થરાને જોડતા નેશનલ હાઇવે પર ટેન્કરમાં આગ લાગતા કેમિકલને કારણે જોતજોતામાં જ્વાળાઓ ફેલાઇ ગઇ હતી. ગણતરીની મિનિટોમાં ટેન્કર આગની ચપેટમાં આવી જતાં જાનમાલની હાનિ થઇ હોવાની આશંકા બની છે. આગની જ્વાળાઓને પગલે નજીકના વૃક્ષો અને જીવજંતુઓ ભસ્મિભૂત થયા છે.

  આ દરમ્યાન ટેન્કરમાં કોઇ હતુ કે કેમ તે સ્પષ્ટ થઇ શક્યુ નથી. ટેન્કર ચાલક હાઇવેની બાજુમાં લઇ ગયા બાદ દુર્ઘટના બની છે. આથી નેશનલ હાઇવે પર વાહનોની અવરજવરને કોઇ અસર નથી. જોકે હાઇવેની બાજુમાં કેમિકલ ભરેલું ટેન્કર સળગતું હોઇ વાહનચાલકો ભય વચ્ચે પસાર થઇ રહ્યા છે.

(8:03 pm IST)