Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ખેડૂતોને મગફળીના નાણા પી.એફ.એમ.એસ.થી મળશેઃ ફટાફટ ચૂકવણાની સત્તા જિલ્લા કક્ષાએ

ગયા વર્ષે ૨,૩૮,૦૦૦ ખેડૂતો નોંધાયેલા, આ વખતે ૪,૧૯,૦૦૦ નોંધાયા : ૧ નવેમ્બરથી ખરીદીઃ ગયા વર્ષે ૧૨૭ કેન્દ્રો હતા, આ વર્ષે ૨૦૦ કેન્દ્રો

રાજકોટ, તા. ૧૦ :. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. મગફળી ખરીદ્યા પછી ખેડૂતોને નાણા ફટાફટ મળી જાય તે માટે આ વખતે પબ્લિક ફાયનાન્સીયલ મેનેજમેન્ટ સીસ્ટમ અમલમાં મુકવાનુ નક્કી થયુ છે. તેના દ્વારા ખેડૂતોને નાણા સીધા તેના ખાતામાં જ મળી જશે. ચુકવણાની સત્તા જિલ્લા કલેકટર તંત્રને આપી દેવામાં આવશે.

ગયા વર્ષે ૨,૩૮,૦૦૦ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવેલ. આ વખતે આજે બપોર સુધીમાં ૪,૧૯,૦૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી દીધી છે. તા. ૧ નવેમ્બરથી ૨૦૦ કેન્દ્રો પરથી ખરીદી શરૂ થશે. ગયા વખતે ખરીદી માટે ૧૨૨ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી સરકાર મગફળી ખરીદી પછી જે તે જિલ્લા કક્ષાએથી તેના ખાતામાં પી.એમ.એફ.એસ.થી ચુકવણી કરવામાં આવશે. ખાતા નંબરમાં કોઈ ભૂલ ન થાય તે માટે ખેડૂતો પાસેથી અગાઉથી જ રદ્દ કરાયેલ ચેક માંગવામાં આવી રહ્યા છે. ગયા વખતે રાજ્ય કક્ષાએથી નાણાનું ચુકવણુ થતુ આ વખતે જે તે જિલ્લા કક્ષાએ સત્તા આપી દેવામાં આવી છે. મગફળી ખરીદી પછી એકદમ ગણતરીના દિવસોમાં જ ખેડૂતને મળવા પાત્ર નાણા સીધા ખાતામાં મળી જશે. ખેડૂત મગફળી વેચે પછી મહત્તમ અઠવાડીયામા નાણા મળી જાય તેવો સરકારનો પ્રયાસ છે. ૧૨૪ માર્કેટયાર્ડ અને ઈ-ગ્રામ કેન્દ્રો પરથી નોંધણી થઈ રહી છે હવે નોંધણીમાં ધસારો એકદમ ઓછો થઈ જતા ગ્રામીણ કેન્દ્રોમાં જાહેર રજાના દિવસોમાં નોંધણીમાં રજા રહેશે. ખરીદી શરૂ કરતા પૂર્વે સુપરવિઝન માટે અને વ્યવસ્થા માટે અલાયદા સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. ખરીદી સંબંધે ગાંધીનગરમાં રોજ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

(4:15 pm IST)