Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

માનહાનિ કેસ : રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર, સુનાવણી ટળી

૧૦મી ડિસેમ્બરના દિવસે સુનાવણી કરાશે : બદનક્ષી ગુનો કબૂલ છે તેવો વેધક પ્રશ્ન કોર્ટે કરતા રાહુલે ઇનકાર કર્યો : કાલે અમદાવાદની કોર્ટમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ,તા.૧૦ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.  બે જુદા જુદા કેસની મુદતની હાજરી અને ગુજરાતની રાજકીય સ્થિત તેમ જ સ્થાનિક પેટા ચૂંટણી સહિતના કારણોને લઇ રાહુલ ગુજરાતમાં આવ્યા છે. ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં કર્ણાટકની એક રેલીમાં બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી વિરૂધ્ધ સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદના કેસમાં તેઓ રૂબરૂ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે રાહુલ ગાંધીને તેમનું નામ, ઉમંર અને સરનામુ પૂછયા હતા. બાદમાં કોર્ટે તેમને પૃચ્છા કરી હતી કે, તમારી મોદી સમાજ માટે ઉપરોકત વિવાદીત ટિપ્પણીને લઇ મોદી સમાજની બદનામી થઇ છે અને તેના અનુસંધાનમાં ફરિયાદી તરફથી દાખલ કરાયેલી ફરિયાદનો ગુનો તમને કબૂલ છે ? જેના પ્રત્યુત્તરમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણ ના જણાવ્યું હતું. રાહુલે જણાવ્યું કે, તેમને આ ગુનો કબૂલ કે મંજૂર નથી.

   હવે આવતીકાલે રાહુલ ગાંધી એડીસી બેંકના બદનક્ષીના કેસમાં ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર રહેશે. સુરત કોર્ટમાં રાહુલ ગાંધીની આજની હાજરીને લઇ કોર્ટ સંકુલમાં ભારે ઉત્તેજના છવાઇ હતી. રાહુલ ગાંધી આજે સવારે સુરત કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી તરફથી સિનિયર એડવોકેટ્સ પહેલેથી જ હાજર થઇ ગયા હતા તો, ફરિયાદ પક્ષ તરફથી પણ ફરિયાદી પૂર્ણેશ મોદી અને તેમના વકીલો પણ હાજર રહ્યા હતા. કેસની સુનાવણી શરૂ થઇ કે, કોર્ટે રાહુલ ગાંધીને તેમના ગુનાની કબૂલાત અંગે પૃચ્છા કરતાં રાહુલે સાફ શબ્દોમાં તેનો ઇન્કાર કર્યો હતો. દરમ્યાન રાહુલ ગાંધીના વકીલ તરફથી એક ખાસ અરજી આપી આ કેસના ટ્રાયલ અને સુનાવણી દરમ્યાન અદાલત સમક્ષ દર વખતે રૂબરૂ હાજર રહેવામાંથી મુકિત આપવા અંગે એકઝમ્પ્શન અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સામે ફરિયાદ પક્ષ તરફથી જવાબી સોગંદનામું રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આ કેસની સુનાવણી તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ મુકરર કરી હતી. કેસની સુનાવણી પૂર્ણ થતાંની સાથે જ રાહુલ ગાંધી કોર્ટ સંકુલમાં કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વિના સીધા જ રવાના થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરથી ૧૦૦ કિમી દુર તા. ૧૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી.

રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે, બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ રૂ.૩૦ હજાર કરોડનોે પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં બદનક્ષી ફરિયાદ થઇ હતી. આવતીકાલે આ કેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજરી આપશે. તો, બીજીબાજુ, એડીસી બેંકના કેસમાં વિવાદીત આક્ષેપો કરવા બદલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદની ઘીકાંટા સ્થિત મેટ્રો કોર્ટમાં બદનક્ષીના અલગ અલગ કેસ દાખલ  થયેલા છે, જેની મુદત આવતીકાલે હોઇ રાહુલ ગાંધી આવતીકાલે ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટમાં પણ હાજરી આપશે. જેને લઇને આજે કેટલાંક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાત દરમ્યાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનીંગ હાથ ધર્યું હતુ.

(7:51 pm IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST