Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પંચાયતના વર્ગ ૩-૪ના કર્મચારીઓની જિલ્લા ફેર બદલી અંગે સરકારનો માર્ગદર્શક આદેશ

૩૦ સપ્ટેમ્બર સુધીની અરજીઓ ૧૫ ઓકટોબર સુધીમાં સરકારને મોકલી આપવી, ત્યારપછી દર મહિનાની અરજી પછીના મહિનાની તા.૧૦ સુધીમાં મોકલી દેવાની રહેશે

ગાંધીનગર તા.૧૦: રાજય સરકારે પંચાયતના વર્ગ ૩-૪ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેટ બદલી બાબતે માર્ગદર્શક આદેશ આપ્યો છે આ અંગે ગઇકાલે તા.૯ ઓકટોબરે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુકત સચિવ એમ.જી.બંધિયાની સહીથી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર પાઠવવામાં આવ્યા છે.

પરિપત્રમાં જણાવાયુ છે પંચાયત સેવાના વર્ગ-૩ તથા વર્ગ-૪ સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લાફેર બદલીની અરજીઓ જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ આપની કચેરી દ્વારા સંબંધિત જિલ્લા પંચાયત કચેરીની સંમતિ મેળવ્યા બાદ ધોરણસરની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે વિભાગને મોકલવામાં આવે છે.

આપની સમક્ષ રજુ થતી આંતર જિલ્લાફેર બદલીની અરજીઓ પૈકી ફિકસ પગારના કર્મચારીની (કપાત પગારી રજાઓ બાદ કરતાં) પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂર્ણ થયેલ ન હોય તો તેવા કિસ્સાઓમાં આપની કક્ષાએથી અરજીઓનો અસ્વીકાર કરીને તે અંગેના નિર્ણયની જાણ સંબંધિત કર્મચારીને કરવા અને અરજીનો નિકાલ કરવો આપની સમક્ષ તા.૩૦-૦૯-૨૦૧૯ સુધીમાં રજૂ થયેલ આંતર જિલ્લાફેર બદલીની તમામ અરજીઓ તા.૧૫-૧૦-૨૦૧૯ સુધીમાં સામેના જિલ્લાની સંમતિ મેળવ્યા સિવાય ચેકલીસ્ટમાં સંપૂર્ણ વિગતો ભરીને, કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓના નિયત બ્રેકઅપ પત્રક તથા અન્ય તમામ આવશ્યક સાધનિક કાગળો સહિત વિભાગને મોકલી આપવા જણાવવામાં આવે છે. ત્યારબાદ દરેક મહિનાના અંત સુધીમાં આપની સમક્ષ રજૂ થતી તમામ આંતર જિલ્લાફેર બદલીની અરજીઓ પછીના મહીનાની ૧૦ તારીખ સુધીમાં વિભાગને મોકલી આપવાની રહેશે. પ્રસ્તુત અરજીઓ પરત્વે સામેના જિલ્લાની સંમતિ મેળવવાની કાર્યવાહી વિભાગ કક્ષાએથી હાથ ધરવામાં આવશે.

(11:43 am IST)