Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

૨-૩ દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે

અમરેલી, ગીર, જુનાગઢમાં વરસાદી ઝાપટાઃ હજુ દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વિદાય લેતા પૂર્વે મેઘરાજા છેલ્લી બેટીંગ કરતા જાય તેવી સંભાવના

અમદાવાદ, તા.૯: ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ રહેલો છે. મોનસુનની વિદાય થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ જારી છે. અમરેલી, ગીરપંથક, જુનાગઢ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. કેટલીક જગ્યાએ બે ઇંચ સુધીનો વરસાદ પણ થયો છે. હવે આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત રાજયમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે એમ આજે હવામાન વિભાગ દ્વારા બહુ મહત્વની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે હવે ખેેડૂતો સહિત પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. જો કે, હજુ દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વિદાય લેતા પહેલાં મેઘરાજા છેલ્લી બેટીંગ કરતા જાય તેવી શકયતા છે. ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૧૪૨ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં તમામ ૩૩ જિલ્લાઓમાં સરેરાશ ૧૦૦ ટકા વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ આ વખતે સમગ્ર ગુજરાત રાજયમાં વધુ પડતો અને પાછોતરો નોંધનીય વરસાદ પડયો હતો. જેના કારણે રાજયના કેટલાક વિસ્તારોમાં લીલા દુકાળનો ઓછાયો પણ વર્તાયો હતો. તો, ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આજે પણ અમદાવાદ, દાહોદ સંજેલી, ઝાલોદ, લીમડી, વરો, સોપાઇ સહિતના વિસ્તારોમાં ભારે પવન, વાવાઝોડા સાથે તોફાની વરસાદ નોંધાયો હતો. દરમ્યાન આજે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત રાજયમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જો કે, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજયના ખેડૂતોને જાણે હાશકારો થયો છે, પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં કેટલીક જગ્યાઓ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. બીજી બાજુ અમદાવાદ, દાહોદ પંજમહાલ, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(10:01 pm IST)