Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

નર્મદા ડેમ ઓવરફલો થતાં બે વર્ષ સુધી સિંચાઇ-પાણી મળશે

છેલ્લા બે મહિનાથી ડેમ ઓવરફ્લો થયો છેઃ ૫૬૫૧ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત

અમદાવાદ, તા.૯: ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે પ્રથમ વખત નર્મદા ડેમ તેની ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટીએ પહોંચ્યો હતો. ડેમમાં પાણીની આવક થતાં બે મહિનામાં અંદાજે રૂ.૩૬૦ કરોડની વીજળીનું ઉત્પાદન થયું છે. ડેમ ઓવરફલો થવાના કારણે આગામી બે વર્ષ સુધી ગુજરાતને સિંચાઇ અને પીવાનું પાણી મળતુ રહેશે. હજુ પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. તા.૯ ઓગસ્ટના રાત્રીના જ્યારે પાણીની આવક વધી ગઇ હતી અને ૮થી ૧૦ લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું. જેને પગલે ડેમની સુરક્ષાને લઈને છ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને ૬૦ દિવસ પૂર્ણ થયા છે. આ ૬૦ દિવસમાં આશરે ૮૦ લાખ ક્યૂસેકથી વધુ પાણી નર્મદામાં વહી ગયું છે. જો કે, તેનાથી ભરૂચનો ખારાશનો પટ્ટ સુધરી ગયો છે. આ ૬૦ દિવસમાં સતત રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ પણ ધમધમી રહ્યા છે. આ બંને પાવર હાઉસો રોજનું ૩,૦૦૦ મેગા વોટ વીજળી ઉત્પાદન કરે છે. એટલે કે રોજની અંદાજિત છ કરોડની રોજની વીજળી ઉત્પાદન થઇ રહી છે. અત્યારે સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી ૧૩૦.૪૦ મીટર છે. ડેમમાં ૮૮,૯૫૧ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જયારે ડેમના ૫ાંચ દરવાજા ખોલીને ૯૬,૭૮૧ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સીએચપીએચ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૪૬૦ મેગાવોટ વીજ ઉત્પાદન થયું છે. જ્યારે સીએચપીએચ-કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧,૮૭૪ મેગાવોટનું વીજ ઉત્પાદન નોંધાયું છે. આમ, નર્મદા ડેમ ઓવરફલો થતાં ગુજરાત માટે પાણી અને વીજળી માટે બંને રીતે ફાયદામંદ સાબિત થયુ છે.

(10:01 pm IST)