Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમદાવાદ : વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

નોરતા બાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ શહેરમાં તોફાની વરસાદના કારણે જનજીવન ઘમરોળાયુ

અમદાવાદ,તા. ૯: અમદાવાદ શહેરમાં નોરતા અને દશેરા બાદ આજે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી મારી તોફાની બેટીંગ કરી હતી. અમદાવાદમાં આજે વરસાદની તીવ્રતા અને જોર વધુ હતા. શહેરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર વાવાઝોડુ ફુંકાવાનું શરૂ થઇ ગયુ હતું. તોફાની પવન અને ઝંઝાવાત વચ્ચે વીજળીના જોરદાર કડાકા અને ભડાકા સાથે પણ તોફાની વરસાદ ત્રાટકયો હતો. વાવાઝોડા અને વરસાદની તીવ્રતા અને જોર એટલા વધારે હતા કે, શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો, થાંભલા, હોર્ડિંગ્સ અને છાપરા પડવાની ઘટનાઓ સામે આવી હતી. તો, સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભુવા પડવાની અને ખાડાઓ પડવાની ઘટનાઓ નોંધાઇ હતી. મેઘરાજાની ધમાકેદાર બેટીંગના કારણે આજે અમદાવાદ શહેરનું સામાન્ય જનજીવન જાણે કે, ઘમરોળાયુ હતું. જેના કારણે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને શહેરના નીચાણવાળા અને પૂર્વના વિસ્તારોમાં આજના ભારે વરસાદના કારણે વધુ પડતા પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં આજે વધુ પડતો અને ભારે વરસાદ નોંધાતાં બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં આજે તોફાની વરસાદી માહોલના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં આજે બપોરે હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ ઘેરાવાની સાથે તોફાની પવન અને વાવાઝોડુ શહેરમાં શરૂ થયુ હતુ અને વીજળીના જોરદાર કડાકાઓ અને ભડાકાઓ સાથે ભારે ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડયો હતો. આજે શહેરના સેટેલાઇટ, શિવરંજની, એસજી હાઇવે, વેજલપુર, વાસણા, પાલડી, બોપલ, થલતેજ, ગુરૂકુળ,  વસ્ત્રાપુર, મેમનગર, નારણપુરા, નવરંગપુરા, આશ્રમરોડ, લાલદરવાજા, ઓઢવ, બાપુનગર, વટવા, જશોદાનગર, નરોડા, નિકોલ, રામોલ, વસ્ત્રાલ સહિતના મોટાભાગના તમામ વિસ્તારોમાં ધોધમાર અને ભારે વરસાદ ખાબકયો હતો. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં થોડી વાર માટે પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં આજે ઝંઝાવાતી વાવાઝોડા અને તોફાની વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, થાંભલા, હોર્ડિંગ્સ અને છાપરા પડાની ઘટનાઓ પણ નોંધાઇ હતી. તો ધોધમાર અને તોફાની વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં થોડીવાર માટે પાણી ભરાઇ ગયા હતા. તો, શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયાની સૌથી વધુ અને વ્યાપક ફરિયાદો સામે આવી હતી. તો, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તૂટવાની, ખાડાઓ-ભૂવાઓ પડવાની અનેક ઘટનાઓ પણ સામે આવી હતી. બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા નોંધાયા હતા.

 

(9:59 pm IST)