Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પંચમહાલના ડેરોલ ગામના માટલી ગરબાની વર્ષોથી પારંપારિક ઉજવણીઃ વિદેશીઓ પણ સ્થાનિકો સાથે ગરબે ઘુમ્યા

પંચમહાલ :સમગ્ર રાજ્યમાં નવ દિવસ બાદ શક્તિ આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ  પૂર્ણ થતા જ મોટાભાગે સમગ્ર રાજ્યમાં ગરબા બંધ થઇ જતા હોય છે. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામના દશેરાના દિવસે ખાસ ગરબાનુ આયોજન કરાય છે. અહીં દશેરા પર પારંપરિક માટલી થાય છે. ડેરોલના માટલી ગરબા એટલા પ્રખ્યાત છે કે આ વખતે તો ગામમાં આવેલા વિદેશીઓ પણ ડેરોલ ગામમાં માથે માટલી ગરબો લઇ ગરબે ઘૂમ્યા હતા.

પંચમહાલના ડેરોલ ગામના માટલી ગરબા વર્ષોથી પારંપરિક રીતે યોજાય છે. ઘણા વર્ષો થી યોજાતા આ ગરબાની વિશેષતા એ છે કે તે દશેરાની રાત્રિએ યોજવામાં આવે છે. ગામમાં આવેલ દુર્ગા માતાના મંદિરે માનતા માની પોતાની માનતા પૂરી થતા શ્રદ્ધાળુઓ 11 થી લઈ 101 જેટલા ગરબા માતાજીના સ્થાનકે ચઢાવતા હોય છે. જેમાં સ્થાનક ગરબો મુકતા પહેલા માનતા રાખનાર પોતે સ્વજનો સાથે માથે માટલી ગરબો મૂકી ગરબે ઘૂમે છે. મહિલાઓ અને પુરુષો પરંપરા મુજબ માથે માટલી મૂકીને ગરબે ઘૂમે છે. અહીં ગરબાની સાથે સાથે આદ્યશક્તિ મા અંબામાં રહેલી ભક્તોની આસ્થાના દર્શન થાય છે. શણગારેલી માટલી માથે મૂકી સ્ત્રીઓ ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરે છે. ત્યારે તેઓને ગૌરવ તો એ છે કે, તેઓએ આજે પણ ભારતીય સંસ્કૃતિ પરંપરાને જાળવી રાખી છે. અહીં આજુબાજુના ઘણા ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરે મૂકેલ માતાજીનો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે માથે મૂકી ગરબે ઘૂમે છે. જે માઈ ભક્ત પોતે કોઈ માનતા માંગવા માંગતા હોય તેઓ અને જેઓની માનતા પૂર્ણ થઇ હોય તે પણ માથે ગરબો (માટલી) મૂકી ગરબે ઘૂમે છે.

આ વખતે તો ડેરોલના પ્રખ્યાત દશેરાના માટલી ગરબાએ વિદેશીઓને પણ આકર્ષિત કર્યા છે. મલાવ યોગ યુનિવર્સિટીની મુલકાતે આવેલા વિદેશીઓના એક ગ્રુપે ડેરોલ ગામે દશેરા નિમિત્તે માટલી ગરબો માથે લઇ ગરબે ઘૂમ્યા હતા.

ગામના રહેવાસી રાજેન્દ્ર પટેલ કહે છે કે, ડેરોલ ગામના પ્રખ્યાત દશેરાના માટલી ગરબામાં દર વખતે અલગ અલગ થીમને ફૂલોથી શણગાર કરાય છે. આ વર્ષે સમગ્ર વર્ષ દરમ્યાન સૌથી વધુ ચર્ચામાં રહેલા ચંદ્રયાન-2 અને કલમ 370 અને 35Aની થીમ પર ફૂલોથી ભારત દેશના નક્શા સાથેની રંગોળી બનાવવામાં આવી હતી.

(4:27 pm IST)