Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

છોટાઉદેપુરમાં એસ.ટી. બસના ડ્રાઇવર-કંડકટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

છોટાઉદેપુર :હાલ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે દારૂબંધીનો મુદ્દો ચર્ચાના ચકડોળે છે. દારૂબંધીના મુદ્દે બંને રાજ્યો સામસામે આવી ગયા છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ છોડી દઈશ, અને જો દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ત્યારે આવા આરોપ અને પડકાર વચ્ચે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ સરકારી કર્મચારીઓનો દારૂ પીધેલી હાલતનો વીડિયો સામે આવ્યો છે. ST બસનો ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

એક તરફ તો દારૂબંધીને લઇ રાજકીય ક્ષેત્રે વાકયુદ્ધ ચાલી રહ્યું છે, તેવામાં છોટાઉદેપુરથી વડોદરા જતી બસનો ચાલક અને કંડક્ટર બસમાં દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સાંજે 6.10 કલાકે કલેક્ટર કચેરીથી ઉપડતી અને  છોટાઉદેપુરથી વડોદરા જતી લોકલ બસ ગઈ કાલે સાંજે આશરે 6.25 કલાકે છોટાઉદેપુરથી ઉપડી હતી. ત્યારે ડ્રાઈવર બસને એટલી બેફામ રીતે હંકારી રહ્યો હતો કે, બસમાં બેઠેલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. દારૂના નશામાં ચૂર એવા ચાલકને એ પણ ભાન ન રહ્યું કે બસ વડોદરા લઈને જવાની છે. દારૂના નશામાં તેણે બોડેલીથી બસને વડોદરાને બદલે રાજપીપળા રોડ ઉપર વાળી દીધી. ત્યારે મુસાફરોએ બૂમાબૂમ કરી બસને થોભાવી અને બોડેલી ST ડેપોમાં લઇ જવાનું જણાવતા ચાલકે મહામુસીબતે બસને વાળી હતી અને બોડેલી ડેપોમાં લઇ ગયો. જ્યાં મુસાફરોએ કન્ટ્રોલ પોઈન્ટ ઉપર હોબાળો મચાવતા અન્ય ડ્રાઈવર અને કંડકટરને મોકલી બસને રવાનામાં કરવામાં આવી હતી.

જે વીડિયો સામે આવ્યો છે, તેમાં બસનો ડ્રાઈવર વસંત પરમારે ખુદ દારૂ પીધેલો હોવાનું કેમેરા સામે એકરાર કરી રહ્યો છે. તે ચાલુ બસમાં પાવીજેતપુરમાં દારૂ પીધો હોવાનું કહી રહ્યો છે. તેમજ પોતાની સાથેનાં કંડક્ટર ગોવિંદ રાઠવાએ પણ છોટાઉદેપુરથી દારુ પીધો હોવાનું જણાવી રહ્યો છે.

જો ST નિગમની બસના ડ્રાઈવર દારૂના નશામાં ધૂત થઈને આવી રીતે જો ST બસ ચલાવતા હોય ત્યારે બસમાં બેઠેલા મુસાફરોનાં જીવનું જોખમ ચોક્કસ રહેલું છે. ત્યારે ST અમારી સલામત સવારીનાં સૂત્ર સાથે દોડાવાતી ST  આવી ST બસની મુસાફરી કેટલી સલામત છે તે સવાલ અહી ઉભો થાય છે.

(4:26 pm IST)