Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

૧૭ જજોની વરણીની માંગ સાથે ૧૧મીએ હડતાળ હશે

૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી માત્ર એક કાર્યરત : સાત મહિના ઉપરાંતથી ૧૭ નોમીનીઝ કોર્ટ અને ટ્રિબ્યુ.માં ખાલી જગ્યા ન ભરાતાં સહકાર ક્ષેત્રના દાવાઓ અટવાયા

અમદાવાદ, તા.૯ : ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટી, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસીંગ સોસાયટી વગેરે આવેલા છે અને જેની તકરાર કે વિવાદના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ, એપલેટે ટ્રિબ્યુનલ અને ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલની સ્થાપના કરાયેલી છે. પરંતુ છેલ્લા સાત મહિના ઉપરાંતના સમયથી રાજયની ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી માત્ર સમ ખાવા પૂરતી એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે તેમ જ ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યા ખાલી છે. આ સમગ્ર મામલે રાજય સરકાર, ગુજરાત હાઇકોર્ટ અને છેક વડાપ્રધાન સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં નિમણૂંકો નહી થતાં ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશન દ્વારા તા.૧૧મી ઓકટોબરે રાજયવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેને રાજયના અન્ય બાર એસોસીએશને પણ બહુ મજબૂત સમર્થન જારી કર્યું છે.

          આ હડતાળને પગલે તા.૧૧મી ઓકટોબરે રાજયની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોની કામગીરી તો ઠપ્પ થઇ જશે એમ ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, એસોસીએશનના અગ્રણી એડવોકેટ હર્ષદભાઇ ત્રાડા અને ધીરજભાઇ ઠક્કરે જણાવ્યું હતું. સરકાર દ્વારા વારંવારની રજૂઆતો અને રૂબરૂ મુલાકાતો લઇ સમગ્ર મામલે ધ્યાન દોરવા છતાં રાજયની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં અને ટ્રિબ્યુનલમાં જજોની નિમણૂંક નહી કરવામાં આવતાં આજરોજ  ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, એસોસીએશનના અગ્રણી એડવોકેટ હર્ષદભાઇ ત્રાડા અને ધીરજભાઇ ઠક્કરની આગેવાની હેઠળ આશિષ શાહ, વી.સી.રાવલ, મેનેજર તરૂણભાઇ ઠક્કર અજીત ગઢવી, ભીખુભાઇ કાલમેક, અતુલ શેઠ, અક્ષય ત્રિવેદી સહિતના ૫૦થી વધુ વકીલો લાલદરવાજા, અપનાબજાર ખાતેના સંકુલમાં બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ ખાતે એકત્ર થયા હતા અને સરકારના ઉદાસીન અને અસહકારભર્યા વલણના વિરોધમાં ઉગ્ર રોષ અને વિરોધ વ્યકત કર્યો હતો.

          ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, એસોસીએશનના અગ્રણી એડવોકેટ હર્ષદભાઇ ત્રાડા અને ધીરજભાઇ ઠક્કરે વધુમાં જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાત રાજયમાં છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી ફકત એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યાઓ ખાલી છે. જે અંગે બાર એસોસીએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી, કાયદામંત્રી અને સહકાર મંત્રીને અવારનવાર લેખિત રજૂઆતો કરી છે અને રૂબરૂ મુલાકાતો પણ કરી સમગ્ર મામલે રજૂઆત કરી છે.

તાજેતરમાં તા.૨૪-૯-૨૦૧૯ના રોજ બાર એસોસીએશનના હોદ્દેદારો અને સભ્યો રાજયના સહકારમંત્રીને મળીને ઉગ્ર રજૂઆત કરી ત્યારે તેમણે તાત્કાલિક આ નિમણૂંકો કરવા અંગે ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી આ નિમણૂંકો થઇ નથી, જેના કારણે બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોમાં હજારો સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાયા છે. તો, મંડળીઓ, સહકારી સંઘો, બેંકો, હાઉસીંગ સોસાયટીઓ અને સભાસદોને પારાવાર નુકસાન થઇ રહ્યુ છે. વકીલોની સાથે સાથે પક્ષકારો બહુ ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે અને પ્રજાજનો ન્યાયથી વંચિત રહી રહ્યા છે.  અગાઉ ખુદ હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના હુકમને પગલે સરકારને ખાલી જગ્યા ભરવાની ફરજ પડી હતી પરંતુ ત્યારબાદ સમયાંતરે જગ્યાઓ ખાલી પડતાં આજે છેક ફેબ્રુઆરી-૨૦૧૯થી બોર્ડ ઓફ નોમનીઝની ૧૭ કોર્ટો, ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યા ખાલી છે. આ સંજોગોમાં રાજય સરકાર અને સહકાર વિભાગની ગંભીર નિષ્કાળજી અને ઉદાસીનતાના વિરોધમાં ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશન દ્વારા તા.૧૧મી ઓકટોબરના રોજ પ્રતિક હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજયના અન્ય બાર એસોસીએશન તરફથી પણ આ હડતાળને સમર્થન જારી કરવામાં આવ્યું છે.

(7:46 pm IST)
  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST