Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જાસુસો-સ્લીપર સેલનું નેટવર્ક ભેદવા લોકોના સહકારથી માસ્ટર પ્લાન ઘડાશેઃ સુભાષ ત્રિવેદી

બોર્ડરની વિશેષ સંવેદનશીલતા તથા ૩૭૦મી કલમ હટયા બાદની તંગદીલી ધ્યાને લઇ જેમની ખાસ પસંદગી થઇ છે તેવા બોર્ડર રેન્જ વડા સાથે અકિલાની વિશેષ વાતચીત : બીએસએફ-સેન્ટ્રલ આઇબી અને મરીન પોલીસ સાથે સંકલન કરી સરહદ સાથે દરીયાઇ વિસ્તારોનું સતત ચેકીંગ થશે

રાજકોટ, તા., ૯: તાજેતરમાં આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી-બદલીના હુકમમાં કચ્છની વિશેષ સંવેદનશીલતા અને કાશ્મીરમાંથી ૩૭૦ મી કલમ હટાવાયા બાદ સરહદે વધેલી તંગદીલી ધ્યાને લઇ બોર્ડર રેન્જ વડા તરીકે સુભાષ ત્રિવેદીની પસંદગી તેઓની યશસ્વી કારકીર્દી અને મહેનત કરવાની ક્ષમતા તથા તેઓના એસપી તરીકેના કચ્છના અનુભવને ધ્યાને લઇ રાજય સરકારે ખાસ પસંદગી કરી છે ત્યારે કચ્છમાં રેન્જ વડાનો ચાર્જ સંભાળનાર સુભાષ ત્રિવેદીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાંપ્રત પરિસ્થિતિમાં બીએસએફ સહીતની કેન્દ્રીય એજન્સીઓનું સંકલન કરી સરહદ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાની બાબત મારી પ્રાથમીકતા રહેશે.

તેઓએ જણાવેલ કે કચ્છ વિસ્તારમાં આઇએસઆઇ એજન્ટો કે સ્લીપર સેલ અડીંગા ન જમાવે તે માટે લોકોના સહકારથી પોલીસ ખાસ યોજના અમલમાં મુકનાર છે. તેઓએ જણાવેલ કે કચ્છના સિરક્રીક, હરામીનાળા સહીતના અન્ય વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા તથા દરીયા કિનારા પરથી કોઇ શંકાસ્પદ બોટો ન ઘુસે તે માટે અમારા એસપીઓ સાથે બેઠક કરી અને મરીન પોલીસને સાથે નિયમીત રીતે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવશે. માછીમારોને પણ શંકાસ્પદ શખ્સોને ઓળખી કાઢવાની તાલીમ આપવા સાથે મહત્વના નંબરો આપી દેવામાં આવશે. સ્ટેટ આઇબી અને સેન્ટ્રલ આઇબીની ઇનપુટ આધારે સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવા સાથે સરહદી વિસ્તારો નજીક રહેતા લોકો સાથે તેમની સમસ્યા જાણી તેઓની સાથે પણ સંકલન કરી ઘુસણખોરી અટકાવવા ફુલપ્રુફ પ્લાન ઘડી કઢાશે.

(11:31 am IST)