Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

એસ્સાર પાવરે ૬૦૦ મેગાવોટ ક્ષમતાનું શરૂ કરેલ બીજુ યુનિટ

પાવર પ્રોજેક્ટ માટે ૮૦૦૦ કરોડનો ખર્ચ કરાયો છેઃ મોટા પ્રોજેક્ટના બંને એકમો કાર્યરત કરી દેવામાં આવ્યા

અમદાવાદ, તા.૧૦: એસ્સાર પાવરે આજે મધ્યપ્રદેશ સ્થિત મહાન પાવર પ્લાન્ટનું ૬૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતું બીજું યુનિટ કાર્યરત કર્યું હતું અને તેના ૨બાય૬૦૦ મેગાવોટની ક્ષમતાના મહાન પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે રૂ. ૮,૦૦૦ કરોડનાં મૂડીગત ખર્ચનો કાર્યક્રમ પૂર્ણ થયો હોવાની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટનાં બંને એકમો કાર્યરત થઈ ગયા છે, જે કાચો માલ મેળવવાનો અને તેને ખાલી કરવાનાં માળખા દ્વારા સપોર્ટેડ છે. બીજુ યુનિટ હાર્બિન ઇલેક્ટ્રિકે સપ્લાય કર્યું છે અને વિસ્તારમાં પિટહેડ ખાણોમાંથી સ્થાનિક કોલસાની સાથે મહત્તમ કાર્યક્ષમતા સાથે કામ કરે એવી રીતે ડિઝાઇન કરેલું છે. પ્રોજેક્ટ આશરે ૨૫૦ લોકોને સીધી રોજગારી પ્રદાન કરશે અને આશરે ૧,૨૫૦ લોકોને પરોક્ષ રોજગારી આપશે, જેથી એરિયામાં આનુષંગિક ઉત્પાદનોને વેગ મળશે. ગજરા બેહરા સાઇડિંગ દરરોજ વધુમાં વધુ ત્રણ રેકનું સંચાલન કરી શકે છે, જે મહાન પ્લાન્ટની કોલસાની જરૂરિયાત નોંધપાત્ર રીતે પૂર્ણ કરશે. પ્લાન્ટથી ફક્ત ૧૮ કિમીનાં અંતરે સ્થિત આ સાઇડિંગ પરિવહન અંતરમાં ૯૦ ટકાનો ઘટાડો કરશે તેમજ પ્રદૂષણને નિયંત્રણમાં રાખશે. વળી એનાથી પ્લાન્ટને કોલ ઇન્ડિયા અને એનસીએલની ખાણોમાંથી સ્થાનિક કોલસો મળશે તેમજ દેશનાં પૂર્વ અને પશ્ચિમનાં દરિયાકિનારા સાથે જોડાયેલ હોવાથી આયાતી કોલસો મેળવવા પણ સમક્ષ છે. ૪૦૦ કેવી ટ્રાન્સમિશન લાઇન પખવાડિયા અગાઉ કાર્યરત થઈ છે, જે સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ઓફ પાવર ગ્રિડનો ભાગ છે. એનાથી વિસ્તારમાં ૧,૮૦૦ મેગાવોટની ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો થયો છે. આ પ્રસંગે એસ્સાર પાવરનાં એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન શ્રી પ્રદીપ મિત્તલે કહ્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં અમે ૧,૫૦૦ મેગાવોટથી વધારે કાર્યકારી ક્ષમતા અને ૪૬૫ કેએમ ટ્રાન્સમિશન લાઇનનો અમલ કર્યો છે. અમારું ધ્યાન અમારાં રોકાણ પર વળતર મેળવવા અને દેશમાં વીજળીની વધતી માગ પૂર્ણ કરવા પર તેમજ આ ક્ષેત્રમાં નોંધપાત્ર કંપની બનવા પર કેન્દ્રિત છે. હું આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે રાતદિવસ અથાકપણે કામ કરવા બદલ ટીમને અભિનંદન આપું છું. દરમ્યાન એસ્સારનાં ડાયરેક્ટર શ્રી પ્રશાંત રુઇયાએ જણાવ્યું હતું કે, કોલસાની રદ થયેલી ખાણો અમને ફાળવવામાં આવી હતી, જેનાથી મહાન પ્રોજેક્ટને ગંભીર અસર થઈ હતી.

એનાથી પ્રોજેક્ટમાં વિલંબ થયો છે અને ખર્ચમાં વધારો થયો છે, છતાં અમે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અમારું ઇક્વિટી રોકાણ બમણું કરીને રૂ. ૩,૩૦૦ કરોડ કર્યું હતું. આ તમામ અવરોધો વચ્ચે અમારાં રોકાણની કટિબદ્ધતા અને વૈશ્વિક કક્ષાની અસ્કયામતો વિકસાવવાની અમારી નીતિ દર્શાવે છે. મહાનમાં મૂડીગત ખર્ચનું ચક્ર પૂર્ણ થવાની સાથે અમે અત્યારે ૩,૮૩૦ મેગાવોટ ઉત્પાદનક્ષમતા ધરાવીએ છીએ તેમજ અન્ય ૧,૨૬૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા માટે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે તેમજ આ પ્રોજેક્ટ ઊંચું માર્જિન ધરાવતાં ટ્રાન્સમિશન સેક્ટરમાં કાર્યરત છે. અમે પાવર પોર્ટફોલિયોમાં રૂ. ૩૦,૦૦૦ કરોડથી વધારેનું રોકાણ કર્યું છે, જેમાં રૂ. ૧૦,૦૦૦ની ઇક્વિટી સામેલ છે અને અમે અત્યારે ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપનીઓમાં સામેલ છીએ.

(10:03 pm IST)