Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સ્વાઈન ફ્લુના વધુ ૫૭ કેસ સપાટીએ : દહેશત અકબંધ

૩૭૯ લોકો સ્વાઈન ફ્લુ બાદ સારવાર હેઠળઃ સ્વાઇન ફ્લુથી ગ્રસ્ત લોકોની સંખ્યાને લઇને વિરોધભાષ

અમદાવાદ, તા.૧૦: સ્વાઈન ફ્લુના નવા કેસોનો સિલસિલો જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના વધુ ૫૭ કેસો સપાટી ઉપર આવ્યા હતા જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હજુ પણ ૩૭૯ નોંધાયેલી છે. સ્વાઈન ફ્લુના લીધે મોતનો આંકડો ૩૪ ઉપર પહોંચી ચુક્યો છે. અમદાવામાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઇન ફ્લુના કેટલાક નવા મામલા સપાટી ઉપર આવ્યા છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સ્વાઈન ફ્લુના ૫૭ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૪ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૪૫ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૧૪૧થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. વડોદરા, સુરતની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો નોંધાઈ ચુક્યા છે.

 

(10:02 pm IST)